સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વૉર’ને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી રહી છે. ફિલ્મના પોસ્ટર દ્વારા પાત્રોની ઝલક રજૂ કરવામાં આવી રહી છે. તાજેતરમાં આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક સામે આવ્યો, જેમાં તે કૅબરે ડાન્સરના ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે.
આ લુકમાં આલિયા વાઇન-રેડ સિક્વિન ડ્રેસ, ક્રોપ ટૉપ અને ફ્લોઇંગ સ્કર્ટમાં જોવા મળે છે. માથા પરના પીછાં અને સ્ટેજ પરના પોઝથી તેના ‘શોગર્લ’ અવતારને વધુ અસરકારક બનાવવામાં આવ્યો છે. આલિયાનો આ અંદાજ તેની અગાઉની કેટલીક ભૂમિકાઓથી અલગ જોવા મળી રહ્યો છે.
ઝીનત અમાને કરી પ્રશંસા
આલિયાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાને લખ્યું કે, “SLB એ શોગર્લને પડદા પર ઉતારી છે.” ત્યારબાદ ઝીનતે આ પોસ્ટર શેર કરીને ઉમેર્યું કે, “70નો દાયકો પાછો ફર્યો છે અને કૅબરે આટલું સારું ક્યારેય લાગ્યું નથી.”
કરીના કપૂર ખાને પણ આલિયાના લુકની પ્રશંસા કરી હતી. તેણે કમેન્ટમાં આલિયાને અભિનંદન આપતાં ઉત્સાહભર્યો પ્રતિભાવ આપ્યો.
‘લવ એન્ડ વૉર’માં આલિયા ભટ્ટ સાથે રણબીર કપૂર અને વિકી કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં છે. રણબીરનો ફર્સ્ટ લુક અગાઉ જાહેર થઈ ચૂક્યો છે, જ્યારે વિકી કૌશલનો પોસ્ટર લુક હજુ રજૂ થવાનો બાકી છે. સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત આ ફિલ્મમાં ત્રણેય કલાકારો પહેલીવાર સાથે જોવા મળશે, જોકે તેઓ અગાઉ જોડી તરીકે અલગ-અલગ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
ફિલ્મ 21 જાન્યુઆરી, 2027ના રોજ વિશ્વભરમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થવાની છે.
