નવરાત્રિના બીજા દિવસે સુરતમાં પર્ફોર્મન્સ આપ્યા બાદ લોકગાયક ઉમેશ બારોટે સંગીતની સફર, ગરબા ગાવાની રીત અને લાંબા સમય સુધી સ્ટેજ પર ઊર્જા જાળવવા અંગે વાત કરી. પુષ્પા ફિલ્મના જાણીતા સંવાદનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે સુરતના ખેલૈયાઓ જ્યાં સુધી રમતા રહેશે ત્યાં સુધી તેઓ ગાવાનું ચાલુ રાખશે.
ઉમેશ બારોટના કહેવા પ્રમાણે, લોકસંગીતનો વારસો તેમને પરિવાર તરફથી મળ્યો છે. સાથે જ તેમણે મ્યુઝિક કૉલેજમાં શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે. આ બંને અનુભવને કારણે માહોલ અને સમય પ્રમાણે કયું ગીત ગાવું તે નક્કી કરવામાં તેમને મુશ્કેલી પડતી નથી. લોકસંગીતની સમજ અને શાસ્ત્રીય તાલીમ સ્ટેજ પર તેમની સાથે રહે છે.
ગરબાની શરૂઆત ભક્તિથી
ગરબામાં ગાવાની શરૂઆત માતાજીની આરાધના અને ભગવાનના નામથી થાય તેવો પોતાનો પ્રયાસ રહે છે, એમ બારોટે જણાવ્યું. તેમના મતે, માત્ર ગીત ગાવાથી માહોલ બનતો નથી; ગાયનમાં ભાવ ભળે ત્યારે જ સાચી અનુભૂતિ થાય છે. માતાજી પ્રત્યેનો ભાવ અનુભવાય અને રોમાંચ થાય ત્યારે જ તેમને પોતાને ગાવાની મજા આવે છે.
ખેલૈયાઓનો ઉત્સાહ આપે છે બળ
નવથી દસ કલાક સુધી ઊર્જા સાથે ગાવા અંગે પૂછતાં બારોટે તેનો શ્રેય માતાજીના આશીર્વાદને આપ્યો. સ્ટેજ પર ચઢતાં પહેલાં પગથિયે હાથ અડાડીને માતાજીનું નામ લેવાની તેમની રીત છે. અવાજ બેસી ગયો હોય અથવા થાક લાગતો હોય ત્યારે પણ આશીર્વાદથી ઊર્જા મળતી હોવાનો તેમનો અનુભવ છે. ખેલૈયાઓની ‘વાહ-વાહ’ અને બૂમોથી ગાવાનો જોશ બમણો થાય છે, એમ તેમણે ઉમેર્યું.
ગરબાના કાર્યક્રમમાં સામાન્ય રીતે બોલિવૂડનાં ગીતો ન ગાતા હોવાનું પણ બારોટે કહ્યું. જોકે, લોકોનું ધ્યાન ખેંચવા માટે ક્યારેક ગીતમાં નાનો શણગાર ઉમેરવામાં આવે છે. પરંપરા તરફ લોકો વળે તો આવા પ્રયોગો કરવા તૈયાર હોવાનું તેમણે જણાવ્યું.
બારોટે સુરતના ગરબા-દોઢિયાના ઉત્સાહને ખાસ ગણાવ્યો. તેમના મતે, શહેરમાં ગલીએ ગલીએ તાલીમવર્ગો ચાલે છે અને લગ્ન સહિતના પ્રસંગોમાં પણ ગરબાને પ્રાથમિકતા મળે છે. ક્યારેક ખેલૈયાઓ મોબાઇલની સ્ક્રીન પર ગીત બતાવીને યાદીમાં ન હોય તેવી ફરમાઈશ કરે છે; લોકોની ખુશી માટે તે ગીત ગાવાની કોશિશ કરવામાં આવે છે.
‘ઘેરદાર ઘૂમતા… ગોરી તમે મનડા મોહી લીધા રાજ…’ પોતાનો મનપસંદ ગરબો હોવાનું બારોટ કહે છે. સ્ટેજ પર જતાં પહેલાં પોતાની સાથે આખી ટીમની ઊર્જા કાર્યક્રમના અંત સુધી જળવાઈ રહે એવી પ્રાર્થના મનમાં હોય છે.
