હોલિવૂડ અભિનેતા માઇકલ ડગ્લસે પત્ની અને અભિનેત્રી કેથરિન ઝેટા-જોન્સ માટે લાગણીસભર સંદેશ શેર કર્યો છે. બંનેએ સાથે જન્મદિવસની ઉજવણી દરમિયાન સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
ડગ્લસે કેથરિન સાથેનો ફોટો શેર કરતાં લખ્યું કે ફિલ્મના પડદા પર કોઈને જોઈને તેઓ પહેલાં ક્યારેય પ્રેમમાં પડ્યા ન હતા, પરંતુ કેથરિનને જોયા બાદ બધું બદલાઈ ગયું. તેમના જણાવ્યા મુજબ, કેથરિનમાં સુંદરતાથી આગળ વધે તેવી એક વિશેષ જાદુઈ વાત હતી.
ડગ્લસે વધુમાં લખ્યું કે તેમને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ હતી કે કેથરિન જ તેમની જીવનસાથી છે. તેમણે આ ક્ષણને જીવનમાં ભાગ્યશાળી લોકોને મળતી એવી દુર્લભ ક્ષણ ગણાવી, જ્યારે કોઈ વ્યક્તિને કોઈ શંકા વિના સમજાય કે તેને કોની સાથે રહેવાનું છે. સંદેશના અંતે તેમણે કેથરિનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને હંમેશાં પ્રેમ કરતા રહેવાનું લખ્યું. આ લખાણ તેમના સંસ્મરણ ‘One Helluva Ride’ના અંશ તરીકે પણ રજૂ થયું હતું.
કેથરિન ઝેટા-જોન્સે જવાબમાં ડગ્લસનો આભાર માન્યો અને તેમને પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી.
1998માં થઈ હતી પ્રથમ મુલાકાત
માઇકલ ડગ્લસ અને કેથરિન ઝેટા-જોન્સની મુલાકાત 1998માં ફ્રાન્સના ડોવિલ અમેરિકન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન થઈ હતી. બંનેનો પરિચય અભિનેતા ડેની ડેવિટોએ કરાવ્યો હતો. 1999માં સગાઈ કર્યા બાદ બંનેએ 2000માં ન્યૂયોર્કના પ્લાઝા હોટેલમાં લગ્ન કર્યા હતા.
આ દંપતીને બે સંતાનો છે. ડગ્લસે પોતાના સંદેશમાં કેથરિન સાથેના લાંબા વૈવાહિક સંબંધ અને તેમની સાથેની લાગણીને ફરી એકવાર વ્યક્ત કરી હતી.
