કૈલાશ ખેરનું ‘આજ મેરે પિયા ઘર આવાંગે’ ગીત આજકાલ લગ્નોમાં દુલ્હનની એન્ટ્રી અને વરમાળા દરમિયાન ઘણીવાર સાંભળવા મળે છે. ગીતના શબ્દો પ્રેમ અને મિલનની લાગણી વ્યક્ત કરતા હોવાથી તેને લગ્નપ્રસંગ સાથે જોડવામાં આવે છે. જોકે, કૈલાશ ખેરે જણાવ્યું છે કે આ ગીતની મૂળ પ્રેરણા તેમના પિતાની અંતિમ વિદાય સાથે જોડાયેલી છે.
રણવીર અલ્લાહબાદિયાના પોડકાસ્ટમાં કૈલાશ ખેરે જણાવ્યું કે તેમના પિતા ધ્યાન કરતા-કરતા ‘હરિ ઓમ’નો જાપ કરી રહ્યા હતા અને અંતિમ ક્ષણોમાં હસતાં હસતાં વિદાય પામ્યા હતા. પિતાની આ સ્થિતિમાં તેમને દુઃખ કરતાં એક આધ્યાત્મિક આનંદ અને પરમ મિલનની અનુભૂતિ થઈ હતી. એ જ લાગણીને તેમણે ગીતમાં વ્યક્ત કરી હતી.
કૈલાશ ખેરે એ પણ કહ્યું હતું કે તેમના પિતાએ તેમના ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા. એ અનુભવ બાદ લખાયેલું ગીત પછીથી લગ્નોના આનંદમય પ્રસંગોમાં લોકપ્રિય બન્યું. આ ગીત કૈલાશ ખેરના ‘Chaandan Mein’ આલ્બમનો ભાગ હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે.
