ઇઝરાયલી મૂળના ગાયક ઇતાય બેન ડેવિડે ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરને સમર્પિત કરીને હિન્દી ગીત ગાયું છે. તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં ‘તુજ મેં રબ દિખતા હૈ’ ગીતના સૂર ગાયા હતા. આ વીડિયો Instagram, Facebook અને X પર ઝડપથી શેર થઈ રહ્યો છે.
વીડિયોમાં ઇતાય બેન ડેવિડે કહ્યું કે તેઓ હિન્દી બોલી શકતા નથી, છતાં બહાદુર પાઇલટ કેપ્ટન સ્મિત માટે આ ગીત સમર્પિત કરી રહ્યા છે. તેમણે દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટમાં સવાર લોકોના જીવ બચાવવાના કેપ્ટન સ્મિતના પ્રયાસોને યાદ કર્યા.
ગાયક દ્વારા ગવાયેલું ગીત 2008માં આવેલી ફિલ્મ ‘રબ ને બના દી જોડી’નું છે. ગીતની પસંદગી દ્વારા તેમણે ભારતીય પાઇલટ પ્રત્યે પ્રશંસા અને આભાર વ્યક્ત કર્યો છે.
ફ્લાયદુબઈની ફ્લાઇટમાં શું બન્યું હતું?
30 સપ્ટેમ્બર, 2026ના રોજ ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દુબઈથી તેલ અવીલ જઈ રહી હતી. ઉડાન દરમિયાન કોકપિટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર અને ઓમાની કો-પાઇલટ વચ્ચે ગંભીર અથડામણ થઈ હતી. વિવિધ અહેવાલો અનુસાર, કો-પાઇલટે કેપ્ટન સ્મિત પર હુમલો કર્યો હતો અને વિમાનનું નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
કેપ્ટન સ્મિત ઘાયલ થયા હોવા છતાં કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ ક્રૂ સભ્યો, મુસાફરો અને વિમાનમાં હાજર કેટલાક પાઇલટ્સ કોકપિટમાં પહોંચ્યા અને હુમલાખોરને કાબૂમાં લીધો. વિમાનને સાઉદી અરેબિયાના તબુકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષિત રહ્યા હતા, જ્યારે કેપ્ટન સ્મિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત અનેક લોકોએ કેપ્ટન સ્મિતની હિંમતની પ્રશંસા કરી હતી. આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં વિમાનમાં 174 મુસાફરો અને છ ક્રૂ સભ્યો સહિત કુલ 180 લોકો સવાર હોવાની વિગતો આપવામાં આવી છે. ગાયક ઇતાય બેન ડેવિડનું આ ગીત હવે કેપ્ટન સ્મિતની બહાદુરીને યાદ કરતું ભાવનાત્મક શ્રદ્ધાંજલિરૂપ વીડિયો બનીને ચર્ચામાં છે.
