અભિનેત્રી ફાતિમા સના શેખે પિતૃસત્તા અને મહિલાઓ સામેના ભેદભાવ અંગે વાત કરતાં કહ્યું કે સિદ્ધિ કે હોદ્દો મળ્યા પછી પણ મહિલાઓએ વારંવાર પોતાની ક્ષમતા સાબિત કરવી પડે છે. મુંબઈમાં તેમની આગામી વેબ સિરીઝ ‘હુંકાર: ધ રોર’ના ટ્રેલર લોન્ચ પ્રસંગે તેમણે આ મુદ્દે પોતાનો અનુભવ અને અભિપ્રાય રજૂ કર્યો.

ફાતિમાના મતે, મહિલાઓમાં બુદ્ધિ કે લાયકાતનો અભાવ નથી અને તેઓ પોતાના ધ્યેયથી અજાણ પણ નથી. મુશ્કેલી સમાજના એવા માળખામાં છે, જે મહિલાઓને તક આપતાં પહેલાં તેમની યોગ્યતા પુરવાર કરવાની અપેક્ષા રાખે છે. મહિલાઓ ગમે તે વર્ગમાંથી આવતી હોય કે કોઈ પણ હોદ્દે હોય, આ માનસિકતાનો સામનો કરવો પડે છે, એમ તેમણે કહ્યું.

મહિલાઓના મુદ્દાની બેઠકમાં પણ મહિલાઓ ગેરહાજર

પોતાના અનુભવનું ઉદાહરણ આપતાં ફાતિમાએ જણાવ્યું કે મહિલાઓના સશક્તિકરણ કે મહિલા-કેન્દ્રિત પ્રોજેક્ટ અંગેની કેટલીક બેઠકોમાં તેઓ એકમાત્ર મહિલા હતાં. વિષય મહિલાઓના અનુભવો સાથે સીધો જોડાયેલો હોવા છતાં, ઘણી વાર તેમના દૃષ્ટિકોણને પૂરતું સ્થાન મળતું નથી; ક્યારેક પુરુષો જ મહિલાઓને એ વિષય સમજાવવા લાગે છે, એમ તેમણે કહ્યું.

તેમણે પિતૃસત્તાની જવાબદારી માત્ર પુરુષો પર નાખવાને બદલે તેમાં મહિલાઓની ભૂમિકા અંગે પણ વાત કરી. તેમના કહેવા પ્રમાણે, આ માનસિકતા એટલી ઊંડે વણાયેલી છે કે મહિલાઓ પણ તેને સ્વીકારીને પોતાના વર્તનમાં ઉતારી લે છે. તેથી આ વિચારસરણી સામે લડવાનું કામ સમાજના દરેકે કરવાનું છે, એવો તેમનો મત હતો.

ફાતિમા સના શેખે બાળ કલાકાર તરીકે ‘ચાચી ૪૨૦’ અને ‘વન ટુ કા ફોર’માં કામ કર્યું હતું. પછી ‘દંગલ’માં ગીતા ફોગાટની ભૂમિકાથી તેઓ વ્યાપકપણે જાણીતા બન્યા. ‘હુંકાર: ધ રોર’માં તેમની સાથે અનીત પદ્દા, રઘુવીર યાદવ, ઝોયા હુસૈન અને ઝીશાન અય્યુબ પણ જોવા મળશે. વેબ સિરીઝ JioHotstar પર રજૂ થવાની છે.