‘પિંક પેન્થર’ શ્રેણીની ફિલ્મ ‘એ શોટ ઇન ધ ડાર્ક’માં મારિયા ગેમ્બ્રેલીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી એલ્કે સોમરનું 85 વર્ષની વયે અવસાન થયું છે. તેમના સાવકા પુત્ર સેબેસ્ટિયન વોલ્થરે જર્મન અખબાર Bildને જણાવ્યું હતું કે સોમરનું બુધવારે લોસ એન્જલસના બેલ એરમાં આવેલા ઘરે અવસાન થયું. લોસ એન્જલસ પોલીસ વિભાગે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે બુધવારે રાત્રે સોમર રહેતા બ્લોકમાં 85 વર્ષની એક મહિલાના મૃત્યુના અહેવાલે પોલીસ પહોંચી હતી.
સોમર 1960ના દાયકાની હોલિવૂડ કોમેડી અને જાસૂસી ફિલ્મોમાં જાણીતા ચહેરા હતાં. તેમનું જન્મનામ એલ્કે શ્લેટ્ઝ હતું. તેમનો જન્મ 5 નવેમ્બર, 1940ના રોજ બર્લિનમાં થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1942માં તેમના પરિવારને દક્ષિણ તરફ સ્થળાંતર કરવું પડ્યું હતું. તેમના પિતા પ્રોટેસ્ટન્ટ પાદરી હતા અને સોમર 14 વર્ષનાં હતાં ત્યારે તેમનું અવસાન થયું હતું.
યુરોપથી હોલિવૂડ સુધીની સફર
સોમર ભાષાઓનો અભ્યાસ કરવા માગતાં હતાં. 1958માં માતા રેનાતા સાથે ઇટાલી પ્રવાસ દરમિયાન તેમની મુલાકાત ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વ્યક્તિ સાથે થઈ. તેમણે સોમરને પહેલી ફિલ્મ ‘ધ ફ્રેન્ડ ઑફ ધ જગુઆર’માં કામ કરવાની તક આપી. અભિનેતા અને ફિલ્મ નિર્માતા વિટોરિયો ડી સિકાએ પણ તેમની નોંધ લીધી. ત્યાર પછી સોમરે ‘સોમર’ નામ અપનાવી ઇટાલી, સ્પેન અને ઇંગ્લેન્ડમાં સતત કામ કર્યું.
હોલિવૂડમાં તેમની મોટી તક નિર્માતા પાન્ડ્રો એસ. બર્મન મારફતે આવી. તેમણે એક જર્મન ડ્રામામાં સોમરને જોયા બાદ ‘ધ પ્રાઇઝ’માં ભૂમિકા આપી. આ ફિલ્મમાં સોમરે પૉલ ન્યૂમેનના પાત્રની સાથી અને પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી. આ કામ માટે તેમને શ્રેષ્ઠ નવોદિત કલાકારનો ગોલ્ડન ગ્લોબ મળ્યો.
બ્લેક એડવર્ડ્સની ‘એ શોટ ઇન ધ ડાર્ક’માં સોમરે મારિયા ગેમ્બ્રેલીનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર પર હત્યાનો આરોપ મૂકાય છે અને પીટર સેલર્સના ઇન્સ્પેક્ટર ક્લૂઝો સાથે તેની પ્રેમકથા પણ ફિલ્મનો હિસ્સો બને છે. સોમરે ‘ધ આર્ટ ઑફ લવ’માં જેમ્સ ગાર્નર અને ડિક વાન ડાઇક સાથે, ‘બોય, ડિડ આઇ ગેટ અ રૉન્ગ નંબર!’માં બોબ હોપ સાથે અને ‘ધ રેકિંગ ક્રૂ’માં ડીન માર્ટિન તથા શેરોન ટેટ સાથે પણ કામ કર્યું હતું.
1970ના દાયકામાં તેમનું કામ થોડું ઘટ્યું, પરંતુ યુરોપમાં ફિલ્મોમાં અભિનય ચાલુ રહ્યો. ‘ઝેપલિન’ અને અગાથા ક્રિસ્ટીની કૃતિ પરથી બનેલી ‘એન્ડ ધેન ધેર વેર નન’માં તેઓ દેખાયાં હતાં. મારિયો બાવાની બે હોરર ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું. 1990ના દાયકામાં ચિત્રકળા તરફ વધુ ધ્યાન આપ્યું, જોકે ફિલ્મો અને ટેલિવિઝનમાં ક્યારેક દેખાતાં રહ્યાં. ‘ધ એમ્પરર્સ ન્યૂ ગ્રૂવ’ના જર્મન ડબમાં તેમણે યઝમાને અવાજ આપ્યો હતો.
