સુરતની નવરાત્રીમાં આ વર્ષે ત્રીજા વખત પર્ફોર્મ કરી રહેલી ગાયિકા ધ્વનિ પરીખે કહ્યું કે શહેરના ખેલૈયાઓનો પ્રેમ અને ઉત્સાહ તેમને મંચ પર વધુ જોશથી ગાવાની પ્રેરણા આપે છે. તેમના મતે, સુરતની નવરાત્રીનો અનુભવ ખાસ છે અને સુરતીઓનો પ્રેમ તેમની અસલી ઊર્જા છે.

ધ્વનિ પરીખે જણાવ્યું કે મંચ, સાઉન્ડ સેટઅપ અને પ્રેક્ષકો વચ્ચેનો તાલમેલ કાર્યક્રમને યાદગાર બનાવે છે. તેઓ સુરતનાં જ વતની હોવાથી શહેર પ્રત્યેનો તેમનો લગાવ પણ ખાસ છે. દેશ-વિદેશમાં કાર્યક્રમો કર્યા પછી પણ સુરતની નવરાત્રી તેમને અલગ અનુભવ આપે છે, એમ તેમણે વાતચીતમાં જણાવ્યું.

ગરબામાં ભક્તિગીતોનો સમાવેશ

ધ્વનિ પરીખ માટે નવરાત્રી માતાજીની આરાધનાનો પર્વ છે. તેમના કાર્યક્રમની ગીતસૂચિમાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનાં રાસ અને માં અંબાના ગરબાનો સમાવેશ થાય છે. સુરતના લોકો ઉત્સાહી ગીતો પર મન મૂકીને ઝૂમે છે, એવું તેમણે કહ્યું.

મંચ પર પહોંચ્યા પછી પોતાનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવાનો અને સામે ઉપસ્થિત લોકોને ગરબાની ધૂન પર રમાડવાનો વિચાર આવે છે. શેરી ગરબાથી ભવ્ય ડોમ અને મોટા સ્ટેજ સુધીના બદલાવ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આજના યુવાનોને ફોટોગ્રાફી ગમે છે અને લાઇટિંગ તથા સજાવટ તેમને આકર્ષે છે. તેમણે સુરતના સાઉન્ડ સેટઅપ અને ડેકોરને પણ ભવ્ય ગણાવ્યાં.

રિયાઝ અને સુરતી વાનગીઓ

ગાયિકાએ કહ્યું કે તેમના પિતા પાસેથી તેમણે ધીરજ અને નિયમિત રિયાઝનું મહત્ત્વ શીખ્યું છે. સારું ગાવા માટે રોજનો રિયાઝ જરૂરી છે, એમ જણાવી તેમણે પોતાની સંગીતયાત્રામાં માતા-પિતાના આશીર્વાદ અને સહયોગનો ઉલ્લેખ કર્યો.

ખાણીપીણી અંગે તેમણે મજાકમાં કહ્યું કે સુરતી હોવાને કારણે ડાયેટ પ્લાન પાળવો શક્ય નથી. સુરત આવતા લોકોને રસાવાળા ખમણ, લોચો અને મસાલા સમોસા ચાખવાની ભલામણ પણ કરી. ખેલૈયાઓના ઉત્સાહ વિશે તેમણે કહ્યું કે પહેલા રાઉન્ડ કરતાં બીજા રાઉન્ડમાં તેમનો જુસ્સો વધી જાય છે. તેમના મતે, છૂટ મળે તો સુરતી ખેલૈયાઓ સવારના પાંચ-છ વાગ્યા સુધી થાક્યા વગર ગરબે રમી શકે છે.