બિગ બોસ 20ના સ્પર્ધક અને ગાયક કાઝી તૌકીર શોમાંથી બહાર થયા હોવાની ચર્ચા વચ્ચે તેમની ટીમે સ્પષ્ટતા કરી છે. ટીમના જણાવ્યા અનુસાર, કાઝી છેલ્લા કેટલાક દિવસોથી તાવ અને નબળાઈનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેઓ હાલમાં પણ બિગ બોસના ઘરમાં જ છે.

સોશિયલ મીડિયા પર કાઝીને ડેન્ગ્યુ થયો હોવાની અને તબિયત ખરાબ થતાં તેમને શોમાંથી બહાર કરવામાં આવ્યા હોવાની અટકળો ચાલી રહી હતી. જોકે, તેમની ટીમે ડેન્ગ્યુની પુષ્ટિ કરી નથી. ટીમે જણાવ્યું કે કાઝીને નબળાઈ અનુભવાતાં મેડિકલ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેમની તપાસ કરી હતી.

મેડિકલ રૂમમાં તપાસ બાદ પણ શોમાં યથાવત્

ટીમે શેર કરેલા અપડેટમાં જણાવાયું છે કે કાઝી તક મળે ત્યારે આરામ કરી રહ્યા છે અને તેમની તબિયત અંગે બિગ બોસની ટીમ સાથે સતત સંપર્કમાં છે. તબિયત સંપૂર્ણપણે સારી ન હોવા છતાં તેઓ શોમાં ભાગ લઈ રહ્યા છે અને ઘરના અન્ય સભ્યોનું મનોરંજન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટીમે ચાહકોને ગભરાશો નહીં અને કાઝી માટે પ્રેમ, પ્રાર્થના તથા સકારાત્મક ઊર્જા જાળવી રાખવા અપીલ કરી છે. સાથે જ તેમની તબિયત અંગે વધુ માહિતી સમયાંતરે આપવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.

બિગ બોસમાં કાઝીની વાપસીની ચર્ચા

કાઝી તૌકીર ‘ફેમ ગુરુકુલ’ના વિજેતા તરીકે જાણીતા થયા હતા. લાંબા સમય બાદ તેઓ બિગ બોસ 20 સાથે ફરીથી ટેલિવિઝન પર સક્રિય થયા છે. તેમની તબિયત અંગેની ચર્ચા વચ્ચે હાલની ઉપલબ્ધ માહિતી એટલી જ છે કે તેઓ શોમાંથી બહાર થયા નથી અને આરોગ્ય સંબંધિત દેખરેખ હેઠળ ઘરમાં જ છે.

બિગ બોસ 20નું પ્રસારણ JioHotstar અને Colors પર થઈ રહ્યું છે. કાઝી સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ તેમની સામાન્ય ગતિવિધિઓમાં પાછા ફરવાની ટીમે આશા વ્યક્ત કરી છે.