26 ઑક્ટોબર, 1974ની રાતે અમદાવાદના શેઠ મંગળદાસ ટાઉન હૉલમાં બેગમ અખ્તર ગઝલ રજૂ કરવા મંચ પર આવ્યાં. તેમની તબિયત સારી નહોતી અને પગમાં દુખાવો હતો. છતાં તેમણે કાર્યક્રમ શરૂ કર્યો. આ જ તેમના જીવનનો અંતિમ જાહેર કાર્યક્રમ બન્યો. વડોદરા અને સુરતમાં 29 તથા 30 ઑક્ટોબરે યોજાવાના કાર્યક્રમો પછી થઈ શક્યા નહોતા.

તે દિવસે બેગમ અખ્તર દિલ્હી ખાતે સંગીત સંમેલનમાં હાજરી આપ્યા બાદ મુંબઈ થઈને સવારની ફ્લાઇટમાં અમદાવાદ પહોંચ્યાં હતાં. કાર્યક્રમના આયોજક નીલમબહેન ગામડિયા હતાં. તેમના પુત્ર સુનિલ ગામડિયાના જણાવ્યા પ્રમાણે, બેગમ હોટેલ કેપ્રીમાં રોકાયાં હતાં અને ત્યાં બાથરૂમમાં લપસી પડ્યાં હતાં. તેમની તબિયત પહેલેથી નાદુરસ્ત હતી.

દુખાવા વચ્ચે શરૂ થઈ ગઝલની મહેફિલ

કાર્યક્રમમાં હાજર રહેલા અમદાવાદના મોનલ ફડિયાએ યાદ કરતાં જણાવ્યું હતું કે બેગમ અખ્તરે તેમના પિતા અનિલ ફડિયાને પગમાં ખૂબ દુખાવો થતો હોવાનું કહ્યું હતું. અનિલભાઈએ પુત્રને નજીકના ઑર્થોપેડિક ડૉક્ટર સુમન શાહ પાસેથી પેઇનકિલર લાવવા મોકલ્યો. ગોળી લીધા પછી રાહત થતાં બેગમે ગાયન શરૂ કર્યું.

રાત્રે પોણા દસ વાગ્યે શરૂ થયેલા કાર્યક્રમમાં બેગમે ‘અય મોહબ્બત તેરે અંજામ પે રોના આયા’ સહિતની ગઝલો રજૂ કરી હતી. તે સમયે અમદાવાદમાં ક્રિકેટ મૅચ રમાતી હોવાથી મન્સૂર અલી ખાન પટૌદી, બિશનસિંહ બેદી અને ચંદ્રશેખર જેવા ક્રિકેટરો પણ તેમને સાંભળવા પહોંચ્યા હતા. સ્થાનિક અખબારમાં છપાયેલા શશિકાન્ત નાણાવટીના લેખમાં કાર્યક્રમની શરૂઆતની રચના ‘પિયુ પિયુ કરત...’ હોવાનું નોંધાયું હતું. બેગમે પટૌદીને આગળ આવી બેસવા કહ્યું, જેથી શ્રોતાઓ તેમને જોઈ શકે; બેદીને પણ આવકાર્યા હતા.

કાર્યક્રમ રાત્રે સાડા બાર વાગ્યે પૂરો થયો. તબિયત નાદુરસ્ત હોવાથી વધુ રજૂઆત ન કરી શકવા બદલ બેગમે શ્રોતાઓની માફી માગી હતી. હોટેલ પર પાછાં ફર્યા બાદ રાત્રે બે વાગ્યે તેમને છાતીમાં દુખાવો થયો. ડૉક્ટર હસમુખ દેસાઈએ તેમને વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં ખસેડ્યાં, જ્યાં ઑક્સિજન આપવામાં આવ્યો અને આરામની સલાહ અપાઈ.

હૉસ્પિટલમાં સારવાર અને અંતિમ ક્ષણો

સુનિલ ગામડિયાના કહેવા પ્રમાણે, બીજા દિવસે તેઓ હૉસ્પિટલમાં ચા લઈને ગયા ત્યારે બેગમના શરીર પર સારવારની નળીઓ લગાવેલી હતી. છતાં તેઓ સિગારેટ પી રહ્યાં હતાં. 30 ઑક્ટોબરે સાંજે બેગમે નાળિયેર પાણી પીવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. નીલમબહેને તે મંગાવી આપ્યું. હૉસ્પિટલના દરવાજે ઘંટડીનો અવાજ આવતાં બેગમે કહ્યું હતું કે, ‘ઘંટી મત બજાઓ, મૈં અભી પ્રોગ્રામ નહીં શરૂ કરુંગી.’ આ વાત નીલમબહેનની નોંધમાં છે.

30 ઑક્ટોબરે રાત્રે 8.40 વાગ્યે તેમને ફરી હૃદયરોગનો હુમલો આવ્યો અને રાત્રે નવ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનના સમાચાર બાદ અમદાવાદના ટાઉન હૉલ અને ટાગોર હૉલમાં ચાલુ કાર્યક્રમો અટકાવીને મૌન પાળવામાં આવ્યું હતું. બેગમ અખ્તરનો અંતિમ કાર્યક્રમ જ્યાં યોજાયો હતો, તે જ ટાઉન હૉલમાં તેમની સાતમી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.