વાંકાનેર તાલુકાની શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં જામસર CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2026 યોજાયું હતું. ‘ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઈનોવેશન’ વિષય પર યોજાયેલા આ પ્રદર્શનમાં જામસર CRC હેઠળની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને ગણિત-વિજ્ઞાનના શિક્ષકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી કૃતિઓ અને મોડેલ અહીં રજૂ કરવામાં આવ્યાં હતાં.

પ્રદર્શનમાં વિજ્ઞાન અને ગણિત ઉપરાંત ટેકનોલોજી, પર્યાવરણ તથા નવીન વિચારોને લગતી કૃતિઓ રજૂ થઈ હતી. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધે અને પ્રયોગાત્મક શિક્ષણને પ્રોત્સાહન મળે તેવો આ આયોજનનો હેતુ હતો.

બે શાળાઓની કૃતિઓ તાલુકા કક્ષાએ જશે

પ્રદર્શનમાં રજૂ થયેલી તમામ કૃતિઓનું મૂલ્યાંકન દેત્રોજા તૃપલકુમારી અને ભાટિયા અમિતભાઈએ કર્યું હતું. મૂલ્યાંકનને અંતે જામસર તાલુકા શાળા તથા સમથેરવા પ્રાથમિક શાળાની કૃતિઓની પસંદગી કરવામાં આવી હતી. આ બંને શાળાઓની પસંદ થયેલી કૃતિઓ હવે તાલુકા કક્ષાના પ્રદર્શનમાં રજૂ થશે.

કાર્યક્રમના સમાપન પ્રસંગે ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમને શિલ્ડ, પ્રમાણપત્ર અને DOMSની કિટ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને આ પુરસ્કારો ઉપસ્થિત શિક્ષણ પ્રતિનિધિઓ અને શાળાઓના આચાર્યોના હસ્તે અપાયા હતા.

આ પ્રસંગે જામસર CRC કો-ઓર્ડિનેટર નરેન્દ્રસિંહ એસ. ચૌહાણ, જામસર તાલુકા શાળાના આચાર્ય સોલંકી વિનોદભાઈ તથા અન્ય શાળાઓના આચાર્યો હાજર રહ્યા હતા. તેમણે પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પુરસ્કારો આપ્યા હતા.

પ્રદર્શનના આયોજન માટે યજમાન શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાના આચાર્ય આદ્રોજા જીગ્નેશભાઈ, વિનુભાઈ વાઘેલા અને શાળાના સ્ટાફે કામગીરી સંભાળી હતી.