સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલના 20 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની રોબોટિક્સ સ્પર્ધામાં સુરતનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર થયા છે. વર્લ્ડ સ્ટેમ એન્ડ રોબોટિક્સ ઓલિમ્પિયાડ (WSRO) નેશનલ ચેમ્પિયનશિપ 2026નું આયોજન ગોવાના પેડમ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 26 અને 27 સપ્ટેમ્બર 2026ના રોજ કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં દેશનાં 6 રાજ્યો અને 8 શહેરોમાંથી 400 જેટલી ટીમો તથા 1000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટોચની ત્રણ ટીમોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.
18 સુમન શાળાઓમાં ટેકનિકલ તાલીમ
સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 18 સુમન શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન મળે તે માટે વિશેષ તાલીમ આપવામાં આવે છે. આ શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ, ડ્રોન અને 3-D પ્રિન્ટિંગ માટે 12 અત્યાધુનિક લેબ કાર્યરત છે.
નિષ્ણાત ટ્રેનરો દ્વારા હાલ 11,000થી વધુ વિદ્યાર્થીઓ અને 230થી વધુ શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. આ પહેલનો હેતુ શ્રમજીવી અને સામાન્ય પરિવારોનાં બાળકોને પણ ટેકનોલોજી ક્ષેત્રે નવી તકો સાથે જોડવાનો છે.
અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચેલી ટીમ
ગત વર્ષે સુમન હાઈસ્કૂલની એક ટીમે સારું પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મેળવ્યું હતું. આ વર્ષે 20 વિદ્યાર્થીઓની ટીમ તે સફળતાને આગળ વધારવાના હેતુથી ગોવા રવાના થઈ છે. WSROનું આયોજન વિદ્યાર્થીઓમાં AI, રોબોટિક્સ અને ટેકનિકલ કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા નવ વર્ષથી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવી રહ્યું છે.
