સુરતના સરથાણા વિસ્તારમાં બની રહેલા સુમન સ્કૂલના નવા ભવનની રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે પ્રોજેક્ટની પ્રગતિ, બાંધકામની ગુણવત્તા અને હાલની સ્થિતિ અંગે અધિકારીઓ તથા ઇજનેરો પાસેથી માહિતી મેળવી હતી.

4,560 ચોરસ મીટરના પ્લોટમાં સંકુલ

સરથાણાના TP-85, FP-119 ખાતે આશરે 4,560 ચોરસ મીટરના પ્લોટમાં આ શૈક્ષણિક સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે. અંદાજે ₹6.59 કરોડના ખર્ચે તૈયાર થનારા ભવનમાં વિદ્યાર્થીઓ માટે કુલ 18 વર્ગખંડોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વહીવટી કામગીરી માટે બે પ્રિન્સિપાલ રૂમ, બે સ્ટાફ રૂમ અને બે કાર્યાલય કક્ષાઓ પણ બનાવવામાં આવશે. શાળામાં અદ્યતન કમ્પ્યુટર રૂમ, સાયન્સ લેબ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેબની સુવિધા ઊભી કરાશે.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મલ્ટી-એક્ટિવિટી રૂમ પણ તૈયાર કરવામાં આવશે. આ સુવિધાઓથી પ્રાયોગિક અને ટેક્નોલોજી આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હેતુ છે.

સ્થળ નિરીક્ષણ દરમિયાન મંત્રીએ બાંધકામની ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન કરવા અધિકારીઓને જણાવ્યું હતું. તેમણે પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મુલાકાત દરમિયાન સંબંધિત અધિકારીઓ, ઇજનેરો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.