સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય ચૂંટણીમાં તમામ 12 સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. વિપક્ષ તરફથી એક પણ ઉમેદવાર મેદાનમાં ન ઉતરતાં ચૂંટણી પ્રક્રિયા વિપક્ષમુક્ત રીતે પૂર્ણ થઈ હતી. ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ 12 ફોર્મ માન્ય રહ્યા હતા અને નિયત બેઠકો સામે એટલા જ ઉમેદવારો બાકી રહેતાં ચૂંટણી અધિકારીએ તમામને વિજેતા જાહેર કર્યા હતા.

નવી સમિતિ સુરત શહેરની 367 જેટલી પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક અને વહીવટી સંચાલનની જવાબદારી સંભાળશે. મેયર માયાબેન માવાણીએ જણાવ્યું હતું કે, ચૂંટાયેલા તમામ સભ્યો ગ્રેજ્યુએટ અને સુશિક્ષિત છે. તેમના નેતૃત્વ હેઠળ શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયાસ કરવામાં આવશે.

બિનહરીફ ચૂંટાયેલા સભ્યોની શૈક્ષણિક લાયકાત

અનુસૂચિત જાતિ અને આદિજાતિ અનામત બેઠક પર મયુરકુમાર છોટુભાઈ વાઘેલા બિનહરીફ ચૂંટાયા છે. તેમની પાસે સેનેટરી ઇન્સ્પેક્ટર્સ ડિપ્લોમા છે.

મેટ્રિક્યુલેશન અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતી બેઠકો પર પિયુષ બિપીનચંદ્ર લાકડવાલા, કનુભાઈ મોતીભાઈ અલગૌતર અને મહેશભાઈ વલ્લભભાઈ પટેલ ચૂંટાયા છે. પિયુષ લાકડવાલા B.Com, કનુભાઈ અલગૌતર B.A. અને મહેશભાઈ પટેલ B.A., B.Ed. તથા DCAની લાયકાત ધરાવે છે.

સામાન્ય બેઠકો પર રાહુલ પિરેન પાટીલ, અશોકભાઈ લક્ષ્મણભાઈ માંગુકિયા, વિવેક મહેશભાઈ પટેલ, કિરણકુમાર છગનભાઈ ધોધારી, દેવાંશી કન્દર્પ જોષી, રસિક રામદાસ પટેલ, શીલાબેન મનસુખભાઈ તારપરા અને ધર્મિષ્ઠા ધર્મેશ પટેલ બિનહરીફ ચૂંટાયા છે. રાહુલ પાટીલ B.A. અને LL.B., અશોક માંગુકિયા તથા રસિક પટેલ ફાર્મસી ડિપ્લોમા, વિવેક પટેલ મિકેનિકલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, કિરણકુમાર ધોધારી B.Com અને LL.B., જ્યારે દેવાંશી જોષી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન-ફાઇનાન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધરાવે છે. શીલાબેન તારપરા અને ધર્મિષ્ઠા પટેલ B.A. થયેલા છે.

શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવાનો મુદ્દો

મેયર માયાબેન માવાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ અને ઘટ વહેલી તકે પૂરી કરવા માટે નવી ભરતીના પ્રયાસો કરવામાં આવશે. શાળાઓમાં જરૂરી માનવબળ ઉપલબ્ધ બને અને પ્રાથમિક શિક્ષણનું સ્તર વધુ મજબૂત બને તે દિશામાં કાર્યવાહી હાથ ધરાશે.