સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરનાં વિવિધ વરિષ્ઠ પદો માટે ભરતી જાહેર કરી છે. ભરતી ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોયમેન્ટ હેઠળ છે અને પસંદગી માટે લેખિત પરીક્ષા નહીં લેવાય. ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે ઇન્ટરવ્યૂ માટે પસંદગી થશે. અરજી SBIની સત્તાવાર વેબસાઇટ sbi.bank.in પર કરી શકાય છે.

ભરતીમાં જનરલ મેનેજર અને ચીફ AI ઓફિસર, ડેપ્યુટી જનરલ મેનેજર (DGM)ના રિસ્ક એન્ડ ઓપરેશનલ એનાલિટિક્સ તથા AI ગવર્નન્સ એન્ડ કમ્પ્લાયન્સ સંબંધિત પદો, DGM ડેટા (એન્જિનિયરિંગ, મોડેલ એપ્લિકેશન ડેવલપમેન્ટ એન્ડ AI Ops), AI સોલ્યુશન આર્કિટેક્ટ અને એન્ટરપ્રાઇઝ AI આર્કિટેક્ટનો સમાવેશ થાય છે. કેટલીક જગ્યાઓ માટે વયમર્યાદા 55 વર્ષ સુધીની છે.

પદ પ્રમાણે લાયકાત અને અનુભવ

જનરલ મેનેજર અને ચીફ AI ઓફિસર માટે કમ્પ્યુટર સાયન્સ, IT, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં BE/BTech અથવા ME/MTechની ડિગ્રી જરૂરી છે. સમકક્ષ લાયકાતમાં સ્ટેટિસ્ટિક્સ કે કમ્પ્યુટર સાયન્સમાં MSc, M.Stat અથવા MCAનો સમાવેશ થાય છે. બેંકિંગ, BFSI કે IT ક્ષેત્રમાં ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ અને 40થી 55 વર્ષની વયમર્યાદા નક્કી કરાઈ છે.

DGM રિસ્ક એન્ડ ઓપરેશનલ એનાલિટિક્સ, DGM AI ગવર્નન્સ એન્ડ કમ્પ્લાયન્સ અને DGM ડેટા સંબંધિત પદો માટે દર્શાવેલી ટેકનિકલ ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત જરૂરી છે. આ પદો માટે સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ માગવામાં આવ્યો છે. રિસ્ક એન્ડ ઓપરેશનલ એનાલિટિક્સ પદ માટે વયમર્યાદા 35થી 50 વર્ષ છે. અન્ય DGM પદો માટે પણ 35થી 50 વર્ષની વયમર્યાદા દર્શાવાઈ છે.

AI સોલ્યુશન આર્કિટેક્ટ માટે કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ અથવા સંબંધિત વિષયમાં સ્નાતક કે અનુસ્નાતક ડિગ્રી જોઈએ. આ પદ માટે સંબંધિત ક્ષેત્રનો વધુમાં વધુ 8 વર્ષનો અનુભવ અને 30થી 45 વર્ષની વયમર્યાદા જણાવાઈ છે. એન્ટરપ્રાઇઝ AI આર્કિટેક્ટ માટે કમ્પ્યુટર સાયન્સ, IT, એન્જિનિયરિંગ, ડેટા સાયન્સ, AI અથવા સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક કે અનુસ્નાતક ડિગ્રી સાથે 8 વર્ષનો અનુભવ જરૂરી છે; વયમર્યાદા 35થી 45 વર્ષ છે.

પગાર અને પસંદગી પ્રક્રિયા

પદ અને પોસ્ટિંગ પ્રમાણે વાર્ષિક CTC નક્કી થશે. જનરલ મેનેજર અને ચીફ AI ઓફિસર માટે તે રૂ. 1.60 કરોડ સુધી, DGMનાં પદો માટે રૂ. 1.20 કરોડ અને AI સોલ્યુશન તથા એન્ટરપ્રાઇઝ AI આર્કિટેક્ટ માટે રૂ. 90 લાખ સુધી જણાવાઈ છે. પગારના માળખામાં ફિક્સ્ડ પે CTCના 90 ટકા અને વેરિએબલ પે 10 ટકા હશે. વાર્ષિક ઇન્ક્રિમેન્ટ 5 ટકા સુધી હોઈ શકે છે.

ઇન્ટરવ્યૂ 100 ગુણનો રહેશે અને તેના આધારે મેરિટ યાદી તૈયાર કરાશે. અરજી કરતા પહેલાં ઉમેદવારોએ SBIની વેબસાઇટ પર સંબંધિત પદની સત્તાવાર સૂચનામાં ચોક્કસ લાયકાત અને અરજીની વિગતો ચકાસવી જોઈએ.