PM-SETU યોજના હેઠળ સુરત ક્લસ્ટરની પાંચ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI)ને અપગ્રેડ કરવા AM/NS Indiaએ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સાથે શેરહોલ્ડર્સ’ એગ્રીમેન્ટ કર્યો છે. આ કરારથી સુરત ક્લસ્ટર માટે મંજૂર રોકાણ યોજનાને અમલમાં મૂકવા ત્રણેય પક્ષોની ભૂમિકા નક્કી થઈ છે. પ્રોજેક્ટ માટે ₹240 કરોડનું રોકાણ મંજૂર છે.
આગળના તબક્કામાં ITIના અપગ્રેડેશન અને કામગીરીનું સંચાલન કરવા વિશેષ હેતુ માટેની કંપની (SPV) રચાશે. તેમાં AM/NS Indiaનો હિસ્સો 51% રહેશે, જ્યારે કેન્દ્ર અને ગુજરાત સરકારનો હિસ્સો 24.5% લેખે રહેશે.
પાંચ સંસ્થાઓમાં તાલીમ સુવિધા અને અભ્યાસક્રમ બદલાશે
યોજનામાં તાલીમ સુવિધાઓનું આધુનિકીકરણ, હાલના અભ્યાસક્રમોમાં સુધારા, નવા ટ્રેડ શરૂ કરવા અને પ્રશિક્ષકોની તાલીમનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ AM/NS India તેના શૈક્ષણિક અને ટેક્નિકલ ભાગીદાર New Age Makers’ Institute of Technology (NAMTECH) સાથે મળીને અમલમાં મૂકશે. વિદ્યાર્થીઓને કાર્યસ્થળને અનુરૂપ સાધનો અને પદ્ધતિઓ સાથે પ્રાયોગિક તાલીમ આપવાનો હેતુ છે. પ્રશિક્ષકોને પણ ટેક્નિકલ જાણકારી અને ભણાવવાની કુશળતા સુધારવા તાલીમ અપાશે.
આ પ્રોજેક્ટમાં Government ITI, Surat; Government ITI, Hazira; Government ITI, Bardoli; Government ITI (Women), Sachin અને Government ITI (Women), Suratનો સમાવેશ થાય છે. Government ITI, Surat મુખ્ય તાલીમ કેન્દ્ર તરીકે કામ કરશે અને બાકીની ચાર સંસ્થાઓને વહેંચાયેલી સુવિધાઓ તથા સંસાધનો ઉપલબ્ધ કરાવશે. બે મહિલા ITIમાં પણ સુધારા થશે, જેથી ત્યાંના વિદ્યાર્થીઓને ટેક્નિકલ ક્ષેત્રની તાલીમ મળી શકે.
PM-SETU હેઠળ બે ક્લસ્ટરમાં નવ ITI
ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ઉદ્યોગની જરૂરિયાત સાથે ટેક્નિકલ શિક્ષણને જોડવાથી યુવાનોની રોજગારક્ષમતા સુધારવાનો હેતુ છે. AM/NS Indiaના HR અને વહીવટ વિભાગના ડિરેક્ટર તથા વાઇસ પ્રેસિડેન્ટ આશુતોષ તેલંગે પણ પ્રાયોગિક શિક્ષણ અને પ્રશિક્ષકોની તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને ઉત્પાદન તથા સંબંધિત ઉદ્યોગોમાં કામ માટે તૈયાર કરવાની વાત કરી હતી.
સુરત ક્લસ્ટર ઉપરાંત AM/NS Indiaએ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ક્લસ્ટરની ચાર સરકારી ITI માટે પણ અલગ કરાર કર્યો છે. બંને પ્રોજેક્ટમાં મળીને નવ ITI આવરી લેવાશે અને મંજૂર રોકાણ ₹440 કરોડ છે. PM-SETU કેન્દ્ર સરકારની ₹60,000 કરોડના કુલ ખર્ચની પહેલ છે. તેના હેઠળ ઉદ્યોગોની ભાગીદારીથી 1,000 સરકારી ITIને અપગ્રેડ કરવાનો અને પાંચ National Skill Training Instituteને મજબૂત કરવાનો હેતુ છે.
