NEET-PG 2026નું પરિણામ જાહેર થયા બાદ હવે આન્સર કી અને OMR શીટ જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી છે. બંને દસ્તાવેજ 1 ઓક્ટોબરે જાહેર થવાની માહિતી છે. જોકે, પરિણામ જાહેર થયા પહેલાં આન્સર કી અને OMR શીટ ઉપલબ્ધ ન કરાતા પ્રવેશ પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓ અને પ્રવેશ સમિતિ સમક્ષ અનેક પ્રશ્નો ઊભા થયા છે.
NEET-PG મારફતે MD અને MS જેવા પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે. ગુજરાતમાં આશરે 3,400 PG બેઠકો માટે 15 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી આશરે 7,500 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા હોવાનું જણાવાયું છે.
પરિણામ બાદ આન્સર કી જાહેર થતાં વાંધાની શક્યતા
સામાન્ય રીતે પરિણામ જાહેર થાય તે પહેલાં OMR શીટ અને આન્સર કી જાહેર કરવામાં આવે છે, જેથી ઉમેદવારો જવાબોની ચકાસણી કરી શકે અને કોઈ વાંધો હોય તો સમયસર રજૂઆત કરી શકે. આ વખતે પરિણામ જાહેર થયા પછી આ દસ્તાવેજો જાહેર થવાના હોવાથી વાંધા અને સુધારાની પ્રક્રિયા અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે.
પ્રવેશ સમિતિ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, OMR શીટ અથવા આન્સર કી અંગેના વાંધાનો નિકાલ પરિણામ જાહેર કરતાં પહેલાં થવો જોઈએ. પરિણામ બાદ કોઈ ફેરફાર અથવા સુધારો કરવામાં આવે તો ફરીથી વિવાદ અને કાનૂની કાર્યવાહીનો મુદ્દો ઊભો થઈ શકે છે.
દેશભરમાં PG બેઠકોમાં વધારો
પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ કોર્સમાં દેશભરની વિવિધ કોલેજોની દરખાસ્તોના આધારે આશરે 6,200 બેઠકો વધારવામાં આવી હોવાનું જણાવાયું છે. ગુજરાતમાં પણ કેટલીક મેડિકલ સોસાયટી સંચાલિત કોલેજોમાં બેઠકો વધારવામાં આવી છે.
જોકે, કઈ કોલેજમાં કેટલી બેઠકો વધારવામાં આવી છે તેની સત્તાવાર અને સ્પષ્ટ વિગતો હજુ પ્રવેશ સમિતિને આપવામાં આવી નથી. બેઠક વધારાની મંજૂરી પહેલાં પણ પ્રવેશ સમિતિને તેની જાણ કરવામાં આવી ન હોવાનું અહેવાલમાં જણાવાયું છે. તેથી રાજ્યમાં PG પ્રવેશ માટે ઉપલબ્ધ કુલ બેઠકો અંગે હાલ ચોક્કસ ચિત્ર સ્પષ્ટ નથી.
MBBS પ્રવેશના ત્રીજા રાઉન્ડની રાહ
ધોરણ 12 પછી MBBSમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટે ત્રીજા રાઉન્ડની ફાળવણી થવાની હતી, પરંતુ તેની જાહેરાતમાં વિલંબ થયો છે. નિયમિત સમયપત્રક મુજબ 28 અને 29 સપ્ટેમ્બરે ત્રીજા રાઉન્ડની ફાળવણી થવાની હતી.
ઓલ ઇન્ડિયા ક્વોટાનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ જ રાજ્ય ક્વોટાની પ્રવેશ પ્રક્રિયા આગળ વધી શકે છે. તેથી ત્રીજા રાઉન્ડની જાહેરાત ન થતાં પ્રવેશ સમિતિ ઉપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ મૂંઝવણ છે.
