છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાયાકોઈ ગામે પ્રાથમિક શાળાના નવા મકાનનું બાંધકામ અધૂરું રહેતાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. શાળાના મકાન માટે પાયા ખોદ્યા બાદ આગળની કામગીરી શરૂ ન થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
છોટા ઉદેપુર સર્વ શિક્ષા અભિયાન હેઠળ પાયાકોઈ ગામે આશરે રૂ. 20 લાખના ખર્ચે પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામ માટે માર્ચ 2026માં એ.આર. પટેલ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. શાળાનું બાંધકામ 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરીને સોંપવાનું નક્કી કરાયું હતું.
પાયા ખોદાયા બાદ કામગીરી અટકી
વર્ક ઓર્ડર મળ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા શાળાના મકાન માટે પાયા ખોદવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ બાંધકામની કામગીરી આગળ વધી નથી. પાયા ખોદ્યા પછી કામ બંધ થઈ જતાં સ્થળ પર બાંધકામ અધૂરું પડ્યું છે.
બાંધકામ સમયસર પૂર્ણ ન થતાં વિદ્યાર્થીઓને શાળાની જરૂરી સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું હોવાનું ગ્રામજનોનું કહેવું છે. અધૂરા બાંધકામને કારણે બાળકોના અભ્યાસ અને શૈક્ષણિક વ્યવસ્થા પર અસર થવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
નોટિસ છતાં કામ શરૂ ન થયું હોવાનો આક્ષેપ
આ મામલે સંબંધિત અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને બાંધકામ શરૂ કરવા માટે નોટિસ પાઠવી હોવાનું જણાવાયું છે. જોકે, ગ્રામજનોના જણાવ્યા અનુસાર નોટિસ બાદ પણ સ્થળ પર કામગીરી ફરી શરૂ કરવામાં આવી નથી.
ગ્રામજનોની માગ છે કે શાળાનું બાંધકામ તાત્કાલિક શરૂ કરાવી ઝડપથી પૂર્ણ કરવામાં આવે. હવે સંબંધિત તંત્ર કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરે છે અને બાંધકામ ક્યારે ફરી શરૂ થાય છે, તેના પર સૌની નજર છે.
