ભુજ ખાતે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 16મો પદવીદાન સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં કુલ 6,989 વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ એનાયત કરવામાં આવી હતી. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનારા 43 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત Ph.D. પૂર્ણ કરનારા 27 સંશોધક વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતી નિમિત્તે તેમને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કચ્છના આ મહાન સપૂતે વિદેશમાં રહીને ભારતની આઝાદીની ચળવળને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજ્યપાલે યુવાનોને શ્યામજી કૃષ્ણ વર્મા અને મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવનમાંથી પ્રેરણા લેવાની અપીલ કરી હતી.
ડિગ્રી સાથે કુશળતા અને સેવાભાવનો સંદેશ
આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને ડિગ્રીને માત્ર નોકરી મેળવવાનું સાધન ન બનાવવાની સલાહ આપી હતી. પોતાના ક્ષેત્રમાં કુશળતા, પ્રામાણિકતા અને માનવસેવાની ભાવના વિકસાવવી જરૂરી છે, તેમ તેમણે જણાવ્યું હતું. વિકસિત ભારતના નિર્માણમાં યુવાનો સક્રિય ભાગીદાર બને તેવો અનુરોધ કરતા તેમણે વૃક્ષારોપણ, જળસંચય અને નશામુક્તિ જેવા સંકલ્પો લેવા પણ આહ્વાન કર્યું હતું.
સમારોહ દરમિયાન યુનિવર્સિટી પરિસરમાં નમો ઈ-લાઇબ્રેરી અને સ્કીલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. DMF ફંડ તથા સાંસદ વિનોદભાઈ ચાવડાના સહયોગથી વિકસિત ઈ-લાઇબ્રેરીમાં કમ્પ્યુટર અને ડિજિટલ શૈક્ષણિક સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. INFLIBNET અને ONOS જેવી સેવાઓ મારફતે વિદ્યાર્થીઓને ઈ-જર્નલ્સ, ઈ-બુક્સ, સંશોધન સામગ્રી અને થિસિસ સુધી પહોંચ મળશે.
યુનિવર્સિટીના વિકાસ માટેની યોજનાઓ
સાંસદ વિનોદભાઈ ચાવડાએ યુનિવર્સિટીની પ્રગતિને આવકારી હતી અને સંસ્થા આગામી સમયમાં ગુજરાતની અગ્રણી યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવે તેવી આશા વ્યક્ત કરી હતી. કુલપતિ ડૉ. મોહનભાઈ પટેલે યુનિવર્સિટીના આગામી વિકાસ આયોજનો અને નવા અભ્યાસક્રમો અંગે માહિતી આપી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે યુનિવર્સિટી પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. સમારોહમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કલેક્ટર અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છના એસ.પી. વિકાસ સુંડા, અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
