JEE Advanced 2026 બાદ દેશની IITમાં થયેલા પ્રવેશના આંકડામાં IIT ગાંધીનગર ટોચના રેન્કર્સની પસંદગીમાં પાછળ રહ્યું છે. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદના આંકડા મુજબ દેશના ટોચના 1000 રેન્કર્સમાંથી એક પણ વિદ્યાર્થીએ IIT ગાંધીનગરમાં પ્રવેશ લીધો નથી.
IITમાં પ્રવેશ માટે JEE Advancedના પરિણામ બાદ Joint Seat Allocation Authority (JoSAA) દ્વારા કેન્દ્રીયકૃત કાઉન્સેલિંગ કરવામાં આવે છે. વિવિધ રાઉન્ડની સીટ ફાળવણી પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓએ પસંદ કરેલી સંસ્થાઓ અને શાખા પ્રમાણે અંતિમ પ્રવેશ થાય છે.
IIT ગાંધીનગરમાં ટોચના રેન્કર્સની સંખ્યા ઓછી
આ વર્ષે IIT ગાંધીનગરમાં કુલ 361 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. તેમાં યુવતીઓનો હિસ્સો 20 ટકા છે. જોકે, ટોચના રેન્કર્સમાં સંસ્થાની પસંદગી મર્યાદિત રહી. ટોચના 2000માંથી 7 અને ટોચના 5000માંથી 81 વિદ્યાર્થીઓએ IIT ગાંધીનગરમાં પ્રવેશ લીધો.
છેલ્લા કેટલાક વર્ષોમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. 2025માં ટોચના 1000માંથી માત્ર 1, ટોચના 2000માંથી 17 અને ટોચના 5000માંથી 87 વિદ્યાર્થીઓએ IIT ગાંધીનગર પસંદ કર્યું હતું. 2024માં ટોચના 1000માંથી એક વિદ્યાર્થીએ પ્રવેશ લીધો હતો, જ્યારે 2022 અને 2023માં આ વર્ગમાંથી એક પણ વિદ્યાર્થી IIT ગાંધીનગરમાં જોડાયો ન હતો.
IIT બોમ્બે ટોચની પસંદગી
IIT બોમ્બે આ વર્ષે પણ JEE Advancedના ઉચ્ચ રેન્કર્સ માટે સૌથી વધુ પસંદગીનું સંસ્થાન રહ્યું. ટોચના 100માંથી 68, ટોચના 200માંથી 99, ટોચના 500માંથી 183, ટોચના 1000માંથી 406 અને ટોચના 5000માંથી 764 વિદ્યાર્થીઓએ IIT બોમ્બેમાં પ્રવેશ લીધો.
ગુજરાતમાંથી દર વર્ષે સરેરાશ 4થી 5 વિદ્યાર્થીઓ ટોચના 100 અને આશરે 40થી 50 વિદ્યાર્થીઓ ટોચના 1000માં સ્થાન મેળવે છે. છતાં, ગુજરાતના ઉચ્ચ રેન્કર્સમાં પણ IIT ગાંધીનગર કરતાં IIT બોમ્બે વધુ પસંદગીનું રહે છે. Computer Science Engineering સહિતની લોકપ્રિય શાખાઓ માટે IIT બોમ્બે તરફનો ઝોક આ પસંદગીમાં મહત્વનો પરિબળ હોવાનું આંકડાઓ પરથી જોવા મળે છે.
