JEE Advanced 2026માં ટોચના રેન્કર્સ માટે IIT બોમ્બે સૌથી પસંદગીનું સંસ્થાન રહ્યું. ટોપ-100માં સ્થાન મેળવનારા 68 અને ટોપ-500માં સ્થાન ધરાવતા 183 વિદ્યાર્થીઓએ IIT બોમ્બેમાં પ્રવેશ લીધો. આ વિગતો JEE Advanced 2026ની સંયુક્ત અમલીકરણ સમિતિના અહેવાલમાં આપવામાં આવી છે. આ વર્ષની પરીક્ષાનું આયોજન IIT રૂડકીએ કર્યું હતું.

દેશની 23 IITમાંથી જૂની સાત IITમાં ટોચના વિદ્યાર્થીઓનો વિશ્વાસ યથાવત્ રહ્યો. ટોપ-5000 રેન્કર્સમાંથી 2,460 વિદ્યાર્થીઓએ આ સાત સંસ્થાઓમાં પ્રવેશ લીધો. બીજી તરફ, ટોપ-500માં સ્થાન મેળવનારા કોઈ પણ વિદ્યાર્થીએ IIT ઇન્દોર, મંડી, ભુવનેશ્વર, જોધપુર, ગાંધીનગર, પટણા, ધનબાદ, રોપડ અને વારાણસી સહિતની 15 IIT પસંદ કરી નહીં.

કમ્પ્યુટર સાયન્સની સૌથી વધુ માંગ

કોર્સની પસંદગીમાં કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSE) સ્પષ્ટ રીતે આગળ રહ્યું. ટોપ-500માંથી 365 વિદ્યાર્થીઓ એટલે કે 73 ટકાએ અલગ-અલગ IITમાં CSEમાં પ્રવેશ લીધો. તેમાં સૌથી વધુ 142 વિદ્યાર્થીઓએ IIT બોમ્બેમાં કમ્પ્યુટર સાયન્સ પસંદ કર્યું.

તેની સરખામણીએ સિવિલ એન્જિનિયરિંગમાં ટોપ-500માંથી માત્ર બે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો, જે 0.4 ટકા છે. એરોસ્પેસ એન્જિનિયરિંગ ટોપ-500માં કોઈએ પસંદ કર્યું નહીં. AI એન્ડ ડેટા એનાલિટિક્સમાં 17 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો.

ટોપ રેન્કર્સની સંસ્થાકીય પસંદગી

JEE Advancedમાં રેન્ક-1 મેળવનારા શુભમ કુમાર સહિત ટોપ-10માં સામેલ પાંચ વિદ્યાર્થીઓએ IIT દિલ્હીની પસંદગી કરી. છોકરીઓમાં ટોચનું સ્થાન મેળવનારી આરોહી દેશપાંડેએ પણ IIT દિલ્હી પસંદ કર્યું હતું. આરોહીનો રેન્ક 77 રહ્યો.

ઝોન મુજબ છોકરીઓના પ્રવેશની સંખ્યા IIT મદ્રાસ ઝોનમાં સૌથી વધુ રહી. અહીં કુલ 4,796 બેઠકોમાંથી 1,260 બેઠકો છોકરીઓને મળી.

નિષ્ણાતો શું કહે છે?

IIT દિલ્હી ના ભૂતપૂર્વ નિર્દેશક અને BITS પિલાણી જૂથના કુલપતિ પ્રો. વી. રામગોપાલે જણાવ્યું હતું કે કોઈ સંસ્થા અથવા બ્રાન્ચનો ટ્રેન્ડ બન્યા પછી તેમાં ફેરફાર થવામાં સમય લાગે છે. તેમના મત મુજબ IIT બોમ્બે, દિલ્હી, મદ્રાસ, કાનપુર અને ખડગપુર જેવી જૂની IITમાં ફેકલ્ટી, સુવિધાઓ અને શૈક્ષણિક સ્તરની દૃષ્ટિએ વિદ્યાર્થીઓને વિશ્વાસ રહે છે.

તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ ઘણી વખત અગાઉના ટોપર્સની પસંદગીને અનુસરે છે અને જોખમ લેવાનું ટાળે છે. CSEની ઊંચી માંગ પાછળ શરૂઆતના પગાર પેકેજને પણ એક કારણ માનવામાં આવે છે. અહેવાલમાં CSEનું સરેરાશ પેકેજ આશરે 30 લાખ રૂપિયા, જ્યારે સિવિલ એન્જિનિયરિંગનું પેકેજ તેનાથી અડધાથી પણ ઓછું હોવાનું જણાવાયું છે. જોકે, અનુભવ વધ્યા પછી બંને ક્ષેત્રોમાં કારકિર્દીની તકો સમાન થઈ શકે છે.

JEE Advanced 2026ના પ્રશ્નપત્રની મુશ્કેલી અંગેના આંકડા મુજબ કુલ 102 પ્રશ્નોમાંથી માત્ર ચાર પ્રશ્નો 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓએ સંપૂર્ણપણે સાચા ઉકેલ્યા હતા. 32 પ્રશ્નોમાં 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓએ ખોટા જવાબ આપ્યા, જ્યારે 21 પ્રશ્નોના જવાબ 50 ટકા વિદ્યાર્થીઓએ આપ્યા નહોતા.