સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (આચાર્ય) બનવા માટેની HTAT પરીક્ષા આજે, 1 નવેમ્બર 2026ના રોજ યોજાશે. રાજ્યભરમાં 37,414 શિક્ષક ઉમેદવારો આ કસોટી આપવાના છે. પરીક્ષા બપોરે 12થી 2:15 વાગ્યા સુધી ગુજરાતી માધ્યમમાં OMR પદ્ધતિથી લેવામાં આવશે. ઉમેદવારોને પ્રશ્નપત્ર ઉકેલવા માટે કુલ 135 મિનિટ મળશે.

રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષા માટે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત એમ ચાર મુખ્ય કેન્દ્ર નક્કી કર્યાં છે. રાજ્યભરમાં 191 કેન્દ્રોના 1,872 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. રાજકોટ કેન્દ્ર પર સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓના 6,218 શિક્ષકો પરીક્ષા આપશે. રાજકોટમાં CCTV કેમેરાથી સજ્જ 32 કેન્દ્ર તૈયાર કરાયાં છે.

150 ગુણના 150 હેતુલક્ષી પ્રશ્નો

પરીક્ષામાં બે વિભાગ રહેશે. વિભાગ-1ના 50 અને વિભાગ-2ના 100 મળીને કુલ 150 ગુણના 150 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, બંધારણની જોગવાઈઓ, સામાન્ય જ્ઞાન, શિક્ષણ પદ્ધતિ, પેન્શન અને રજાના નિયમો સહિત આશરે 24 વિષયમાંથી પ્રશ્નો આવવાના છે.

પેપરમાં નેગેટિવ માર્કિંગ નથી. એટલે ખોટા જવાબ માટે ગુણ કપાશે નહીં. જોકે, ઉમેદવારોએ પ્રશ્નપત્રમાં આપેલી સૂચનાઓ અને જવાબ નોંધવાની પદ્ધતિનું પાલન કરવાનું રહેશે.

રાજકોટમાં સુરક્ષા વ્યવસ્થા

પરીક્ષા દરમિયાન ગેરરીતિ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે ઓબ્ઝર્વર સહિતનો સ્ટાફ નિયુક્ત કરાયો છે. રાજકોટનાં તમામ 32 કેન્દ્રો પર ઓબ્ઝર્વર તૈનાત રહેશે.

પરીક્ષાનાં પેપર 31 ઑક્ટોબરની બપોરે રાજકોટ પહોંચ્યા બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યાં હતાં. રાજ્યભરમાં એક જ દિવસે પરીક્ષા યોજાઈ રહી છે; રાજકોટમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓના ઉમેદવારો માટે અલગ કેન્દ્ર વ્યવસ્થા રાખવામાં આવી છે.