ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની શિક્ષક અભિરુચિ કસોટી (TAT-HS) 2026ની મુખ્ય પરીક્ષામાં 35.46 ટકા ઉમેદવારો સફળ થયા છે. રાજ્ય પરીક્ષા બોર્ડે જાહેર કરેલા આંકડા મુજબ, પરીક્ષામાં 47,644 ઉમેદવારો હાજર રહ્યા હતા. તેમાંથી 16,887 ઉમેદવારો પાસ થયા, જ્યારે 30,754 ઉમેદવારોને સફળતા મળી નથી. ત્રણ ઉમેદવારો સામે ગેરરીતિના કેસ નોંધાયા છે.

પરિણામ જાહેર થયા પછી આંકડાઓમાં વિસંગતિ હોવાના આક્ષેપો થયા હતા. બોર્ડે સ્પષ્ટતા કરી છે કે ગેરરીતિના કેસવાળા ત્રણ ઉમેદવારોને પાસ કે નાપાસની સંખ્યામાં ગણવામાં આવ્યા નથી. આથી આંકડાઓમાં તફાવત દેખાય છે અને વિસંગતિના આક્ષેપો પાયાવિહોણા છે, એવો બોર્ડનો દાવો છે.

અગાઉના પરિણામથી 1.35 ટકાનો ઘટાડો

બોર્ડના જણાવ્યા મુજબ, 2023ની TAT-HS મુખ્ય પરીક્ષાનું પરિણામ 36.81 ટકા હતું, જ્યારે 2026માં તે 35.46 ટકા નોંધાયું છે. એટલે પરિણામની ટકાવારીમાં 1.35 ટકાનો ઘટાડો થયો છે. જોકે, બોર્ડે જણાવ્યું છે કે બંને વર્ષમાં પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનું સ્વરૂપ અલગ હોવાથી પરિણામોની ટકાવારીની સીધી સરખામણી કરવી યોગ્ય નથી.

પ્રાથમિક પરીક્ષામાં પાસ થવા માટે 33 ટકા એટલે કે 90 ગુણ જરૂરી હતા. મુખ્ય પરીક્ષામાં જનરલ કેટેગરી માટે 60 ટકા એટલે કે 120 ગુણ અને અન્ય કેટેગરીના ઉમેદવારો માટે 55 ટકા એટલે કે 110 ગુણ ક્વોલિફાઈંગ ગુણ નક્કી કરાયા હતા.

મૂલ્યાંકન પ્રક્રિયા અંગે બોર્ડની વિગતો

બોર્ડના જણાવ્યા પ્રમાણે, દરેક વિષયની આદર્શ નમૂનાની આન્સર-કી તૈયાર કરવા 15 નિષ્ણાતોની ટીમ બનાવાઈ હતી. ઉત્તરવહીઓનું મૂલ્યાંકન સરકારી શાળાના નિયમિત શિક્ષકો પાસે કરાવાયું હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના નિષ્ણાત લેક્ચરર તથા અનુભવી સરકારી શિક્ષકોને મોડરેટરની જવાબદારી સોંપાઈ હતી.

દરેક પરીક્ષા કેન્દ્ર પર ઓબ્ઝર્વર, સરકારી પ્રતિનિધિ અને CCTV દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. ઉમેદવારોની ઓળખ માટે યુનિક બારકોડ અને ઓળખ દર્શાવતા નંબરનો ઉપયોગ કરાયો હતો. મૂલ્યાંકનની દરેક ટીમમાં એક પરીક્ષક, એક વેરિફાયર અને એક મોડરેટર રાખવામાં આવ્યા હતા; ટીમોની રચના રેન્ડમાઇઝેશનથી કરાઈ હતી. પ્રથમ દિવસે દરેક ટીમે 50 ઉત્તરવહીઓ તપાસીને મોડલ તૈયાર કરવાનું હતું. પરીક્ષકોને ગુણ આપવાના અને કાપવાના માપદંડ સમજાવાયા હતા તથા પરીક્ષા દરમિયાન મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ હતો.

બોર્ડે જણાવ્યું છે કે બંને પેપરના ગુણ અલગથી અને વિષયવાર પરિણામના આંકડા પણ જાહેર કરાશે. ઉત્તરવહીઓનું રીચેકિંગ કરાવવા માટે 18થી 21 નવેમ્બર, 2026 સુધી ઓનલાઈન અરજી મંગાવાઈ છે. બોર્ડે 21 નવેમ્બરને અરજી કરવાની છેલ્લી તારીખ ગણાવી છે અને પ્રક્રિયા નિષ્પક્ષ તથા પારદર્શક રીતે હાથ ધરવાની ખાતરી આપી છે.