ગુજરાત કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (GCERT) દ્વારા ધોરણ 9 અને 10ના માધ્યમિક શિક્ષકો માટે તાલીમનું આયોજન કરાયું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ શિક્ષકોના સતત વ્યાવસાયિક વિકાસ (CPD) માટે દર વર્ષે 50 કલાકની તાલીમ લેવાની જોગવાઈને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ ગોઠવાયો છે. પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણમાં ગુજરાતનું પરિણામ સુધરે અને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં ગુણવત્તા વધે એ પણ તેનો હેતુ છે.
જૂનાગઢ સહિત રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ, આશ્રમ શાળા અને મોડેલ સ્કૂલના માધ્યમિક શિક્ષકોને તાલીમમાં જોડવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરાશે. પહેલાં રિસોર્સ પર્સનની તાલીમ ગાંધીનગરમાં યોજાશે; દરેક જિલ્લામાંથી વિષયના જાણકાર અને તાલીમમાં રસ ધરાવતા ત્રણ શિક્ષકોને મોકલવાના રહેશે. ત્યારબાદ 14થી 21 ઓક્ટોબર દરમિયાન જિલ્લાકક્ષાએ માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાશે. શિક્ષકો માટેની તાલીમ 22થી 30 ઓક્ટોબર દરમિયાન વિષય પ્રમાણે રાખવામાં આવી છે.
તાલીમનો સમય અને દેખરેખ
જિલ્લા અને શાળાકક્ષાની તાલીમનો સમય સવારે 10:30થી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે. તાલીમ શનિવારે યોજાય તો સવારનો સમય રાખી શકાશે, પરંતુ કુલ તાલીમ કલાકોમાં ઘટાડો કરી શકાશે નહીં. તાલીમ પૂર્ણ થયા પછી દૈનિક પાંચ કલાકના હિસાબે પૂર્ણતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
કાર્યક્રમનું મોનિટરિંગ પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણાધિકારી (DEO), GCERT અને કેળવણી નિરીક્ષકો કરશે. અગાઉ KRP, RP અથવા MT તરીકે સેવા આપી ચૂકેલા શિક્ષકોને આ શિક્ષક તાલીમમાંથી મુક્તિ આપવામાં આવી છે. શાળાઓને ધોરણ 9 અને 10ના પરખ પેડાગોજી મોડ્યુલ હાથવગા રાખવા અને વર્ગખંડમાં તેનો યોગ્ય ઉપયોગ કરવા પણ સૂચના અપાઈ છે.
