ગુજરાત સરકારે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય માટે સહાય વ્યવસ્થા ફરજિયાત કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) સાથે જોડાયેલી અને ધોરણ 9થી 12 ચલાવતી શાળાઓને લાગુ પડતી આ જોગવાઈઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નિયમો, 1974 હેઠળ કરવામાં આવી છે. શૈક્ષણિક દબાણ અને વિદ્યાર્થીઓની માનસિક સુખાકારીને ધ્યાનમાં રાખીને આ માળખું ઘડાયું છે.

દરેક શાળાએ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં School Wellness Team (SWT) બનાવવી પડશે અને તેની કામગીરીની વાર્ષિક સમીક્ષા કરવી પડશે. શાળાના આચાર્ય ટીમના વડા રહેશે; કાઉન્સેલર અથવા નિયુક્ત શિક્ષક સંયોજક બનશે. ટીમમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના એક-એક શિક્ષક, શાળા વ્યવસ્થાપન સમિતિના પ્રતિનિધિ, બિનશૈક્ષણિક કર્મચારી અને બંને વિભાગનું પ્રતિનિધિત્વ કરતા બે વિદ્યાર્થી ‘મનો-મિત્ર’નો સમાવેશ થશે. ટીમને માનસિક તણાવનાં સંકેતો ઓળખવા અને જોખમની સ્થિતિમાં સમયસર પગલાં લેવા તાલીમ અપાશે.

કાઉન્સેલર અને સહાય મેળવવાની વ્યવસ્થા

100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાએ બાળ અને કિશોર માનસિક આરોગ્યની તાલીમ ધરાવતા ઓછામાં ઓછા એક લાયક કાઉન્સેલર, મનોવિજ્ઞાની અથવા સામાજિક કાર્યકરની નિમણૂક કરવી પડશે. 100થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાએ બહારના માનસિક આરોગ્ય નિષ્ણાતો, નજીકનાં સામુદાયિક અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ અને Tele-MANAS સાથે ઔપચારિક સંપર્ક વ્યવસ્થા રાખવી પડશે.

‘મનો-મિત્ર’ વિદ્યાર્થીઓને શરૂઆતની ભાવનાત્મક સહાય આપશે અને જરૂર પડે ત્યારે યોગ્ય સેવાઓ સુધી પહોંચવામાં માર્ગદર્શન આપશે. જોકે, ગંભીર તણાવ કે તાત્કાલિક જોખમની સ્થિતિમાં શાળાની નિર્ધારિત સહાય વ્યવસ્થા અને નિષ્ણાતોની ભૂમિકા મહત્વની રહેશે. વિદ્યાર્થીઓ કાઉન્સેલર અથવા નિયુક્ત શિક્ષક સમક્ષ ખાનગી રીતે ચિંતા રજૂ કરી શકે તેવી સરળ વ્યવસ્થા, સૂચન પેટીઓ અને બાળ સહાયલાઈનના નંબર શાળામાં સ્પષ્ટ રીતે દર્શાવવાના રહેશે.

બોર્ડની પરીક્ષા, પરિણામ જાહેર થવાનો સમય અને ધોરણ 8માંથી 9માં તથા ધોરણ 10માંથી 11માં જવાના તબક્કે શાળાઓએ વધારું માર્ગદર્શન અથવા કાઉન્સેલિંગ આપવું પડશે. પરીક્ષાના ગુણના આધારે વિદ્યાર્થીઓને અલગ પાડવા, જાહેરમાં શરમજનક સ્થિતિમાં મૂકવા અથવા તેમની સરખામણી કરીને માનસિક તણાવ ઊભો કરવા પર પ્રતિબંધ રહેશે. શાળાઓએ સમાનતા, ગૌરવ, પ્રોત્સાહન અને સહકારનું વાતાવરણ જાળવવાનું રહેશે.

તાલીમ, ગોપનીયતા અને દેખરેખ

યોગ, ધ્યાન, કલા, સંગીત, બાગકામ, નૃત્ય અને રમતગમત જેવી પ્રવૃત્તિઓ દ્વારા પણ વિદ્યાર્થીઓની સુખાકારીને ટેકો આપવાની જોગવાઈ છે. શાળાના શિક્ષક અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ પ્રમાણિત માનસિક આરોગ્ય નિષ્ણાતો પાસેથી વર્ષમાં ઓછામાં ઓછા બે વખત તાલીમ લેવી પડશે. માનસિક પ્રાથમિક સહાય, જોખમનાં ચિહ્નોની ઓળખ, સ્વ-નુકસાનની સ્થિતિમાં પ્રતિસાદ અને યોગ્ય સેવાઓ તરફ મોકલવાની પ્રક્રિયા શાળાએ તૈયાર રાખવી પડશે. સ્વ-નુકસાનના સંકેત, જીવન ટૂંકાવવાના વિચારો અથવા ગંભીર માનસિક તણાવ જણાય તો તાત્કાલિક પગલાં લેવાના રહેશે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીને એકલો ન છોડવો અને વિલંબ વિના તબીબી અથવા કટોકટીની મદદ ગોઠવવી પડશે.

વિદ્યાર્થીના માનસિક આરોગ્ય અને કાઉન્સેલિંગના રેકોર્ડ ગુપ્ત રાખવાના રહેશે. સલામતી, સારવાર અથવા કલ્યાણ સાથે સીધી રીતે જોડાયેલા અધિકૃત લોકોને જ જરૂરી માહિતી આપી શકાશે. ગુંડાગીરી, ઑનલાઇન સતામણી, રેગિંગ, જાતીય સતામણી અને જાતિ, લિંગ, ધર્મ, ભાષા, આર્થિક સ્થિતિ અથવા દિવ્યાંગતાના આધારે ભેદભાવ સામે ફરિયાદ માટે પણ ગુપ્ત વ્યવસ્થા ઊભી કરવી પડશે. જોખમની જાણ હોવા છતાં શાળા સમયસર યોગ્ય પગલાં ન લે અને તેનાથી ગંભીર નુકસાન થયું હોવાનું જણાય, તો લાગુ કાયદા હેઠળ જવાબદારી અને શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.

નિયમોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક, વ્યાવસાયિક, કૌશલ્ય આધારિત અને ઉદ્યોગસાહસિકતાની તકો સમજાવવા નિયમિત કારકિર્દી માર્ગદર્શનનો પણ સમાવેશ છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદ હેઠળની સમિતિ અમલીકરણ પર દેખરેખ રાખશે, ફરિયાદો અને ગંભીર ઘટનાઓની સમીક્ષા કરશે તથા સુધારાત્મક પગલાં સૂચવશે. શાળાઓએ સમિતિના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.