ગુજરાતમાં બોર્ડ સાથે જોડાયેલી ધોરણ 9થી12ની શાળાઓએ વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય અને સલામતી માટે ઔપચારિક સહાય વ્યવસ્થા ઊભી કરવી પડશે. નવા નિયમો હેઠળ શાળાઓએ વેલનેસ ટીમ રચવી, કાઉન્સેલિંગની સુવિધા આપવી અને માનસિક તણાવમાં હોય તેવા વિદ્યાર્થીઓને ઓળખી યોગ્ય મદદ સુધી પહોંચાડવા માટેની પ્રક્રિયા ગોઠવવી પડશે.

આ જોગવાઈઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો, 1974 હેઠળ રજૂ કરાઈ છે. તેમાં સુપ્રીમ કોર્ટના વિદ્યાર્થી માનસિક આરોગ્ય અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ અટકાવવા સંબંધિત નિર્દેશોનો આધાર લેવાયો છે. NCERTની UMMEED માર્ગદર્શિકાનો પણ સંદર્ભ છે.

શાળાઓમાં વેલનેસ ટીમ અને કાઉન્સેલર

ધોરણ 9થી12 ચાલતી દરેક શાળાએ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં School Wellness Team (SWT) બનાવવી પડશે. ટીમની કામગીરીની દર વર્ષે સમીક્ષા કરવાની રહેશે. આ ટીમ વિદ્યાર્થીઓની ભાવનાત્મક સુખાકારી પર ધ્યાન આપશે, માનસિક તણાવનાં સંકેતો ઓળખશે અને કટોકટીની સ્થિતિમાં પગલાં લેશે.

ટીમનું નેતૃત્વ શાળાના આચાર્ય કરશે. તેમાં કાઉન્સેલર અથવા નિયુક્ત શિક્ષક સંયોજક તરીકે, ધોરણ 9-10 અને 11-12ના પ્રતિનિધિ શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના પ્રતિનિધિ, બિનશૈક્ષણિક કર્મચારી અને બે વિદ્યાર્થી પીઅર લીડરનો સમાવેશ થશે.

100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાએ બાળ અને કિશોર માનસિક આરોગ્યની તાલીમ ધરાવતા ઓછામાં ઓછા એક લાયક કાઉન્સેલર, મનોવિજ્ઞાની અથવા સામાજિક કાર્યકરની નિમણૂક કરવી પડશે. 100થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓએ બહારના નિષ્ણાતો અને આરોગ્ય સેવાઓ સાથે ઔપચારિક વ્યવસ્થા કરવી પડશે. તેમાં નજીકનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ અથવા Tele-MANASનો સંપર્ક સામેલ થઈ શકે છે.

પરીક્ષા અને કટોકટીના સમયે વધારાની મદદ

બોર્ડની પરીક્ષાઓ, પરિણામ જાહેર થવાનો સમય અને ધોરણ 8થી9 તથા 10થી11માં પ્રવેશ જેવા તબક્કે શાળાઓએ વધારાનું માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપવાનું રહેશે. નિયમો મુજબ વિદ્યાર્થીઓને ગુણના આધારે અલગ પાડવા કે જાહેરમાં નીચા દેખાડવા પર પ્રતિબંધ રહેશે. સરખામણી કરીને અપમાનિત કરવું અથવા પરિણામને કારણે તેમને હીનભાવ અનુભવાય એવું વર્તન પણ મંજૂર નહીં હોય.

દરેક શિક્ષક અને બિનશૈક્ષણિક કર્મચારીને પ્રમાણિત માનસિક આરોગ્ય નિષ્ણાતો પાસેથી વર્ષમાં ઓછામાં ઓછી બે વાર તાલીમ આપવી પડશે. તેમાં માનસિક તણાવનાં પ્રારંભિક સંકેતો ઓળખવા, તાત્કાલિક પ્રાથમિક ભાવનાત્મક સહાય આપવી અને જરૂર પડે ત્યારે વિદ્યાર્થીને નિષ્ણાત સુધી પહોંચાડવાની સમજણ સામેલ છે.

વિદ્યાર્થીઓની ચિંતાઓ જણાવવા માટે ગુપ્ત માધ્યમો, સૂચનપેટી, બાળ સહાયલાઇન અને વેલનેસ ટીમના સંપર્કની વિગતો શાળામાં દર્શાવવી પડશે. બુલિંગ, સાયબરબુલિંગ, રેગિંગ, જાતીય સતામણી અને ભેદભાવ અંગે ફરિયાદ કરવા માટે પણ ગુપ્ત વ્યવસ્થા રાખવાની રહેશે. કાઉન્સેલિંગ અને આરોગ્ય સંબંધિત માહિતી ગોપનીય રાખવાની જોગવાઈ છે.

વિદ્યાર્થી ગંભીર માનસિક તણાવમાં હોય અથવા પોતાને નુકસાન પહોંચાડવાના સંકેત આપે તો શાળાએ તાત્કાલિક યોગ્ય સહાય ગોઠવવી પડશે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીને એકલો ન રાખવો અને જરૂર મુજબ તબીબી કે કટોકટીની સેવા સાથે જોડવો પડશે. અમલ પર નજર રાખવા જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ જિલ્લા સ્તરની સમિતિ રહેશે; તે ફરિયાદો અને ગંભીર ઘટનાઓની સમીક્ષા કરીને સુધારાત્મક પગલાં સૂચવી શકશે.