ગુજરાતની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ CTS અને UDISE+ પોર્ટલ પર નોંધાયેલા આંકડાઓમાં રહેલી વિસંગતતા બે દિવસમાં સુધારવાની રહેશે. શાળા કમિશનરેટના પરિપત્રને આધારે શિક્ષણ વિભાગે આ સૂચના આપી છે. શૈક્ષણિક વર્ષ 2026-27ના શૈક્ષણિક અને વહીવટી રેકોર્ડમાં એકરૂપતા રહે તે હેતુથી આ કાર્યવાહી કરાશે.
શાળા કમિશનરેટ અને જિલ્લા શિક્ષણ કચેરીઓએ કરેલી ચકાસણીમાં બંને પોર્ટલ પર વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષક અને બિનશિક્ષક કર્મચારીઓની સંખ્યા તથા કર્મચારીઓના હોદ્દા અંગેના રેકોર્ડમાં તફાવત જોવા મળ્યો હતો. શાળાઓએ પોતાના રેકોર્ડ તપાસીને બંને પોર્ટલની માહિતી સરખી કરવી પડશે. ખાસ કરીને વિદ્યાર્થી નોંધણીના આંકડા CTS અને UDISE+માં એકસરખા હોવા જોઈએ.
કર્મચારીની વિગતો પણ સુધારવાની રહેશે
શિક્ષક, બિનશિક્ષક કર્મચારી અને ક્લાર્ક સહિતના કર્મચારીઓની વિગતો UDISE+ પોર્ટલ પર CTSમાં નોંધાયેલી માહિતી પ્રમાણે અપડેટ કરવાની રહેશે. શાળામાં હાલ કાર્યરત દરેક કર્મચારીનો હોદ્દો પણ લાગુ નિયમો અનુસાર સાચો નોંધાયેલો હોવો જોઈએ. આ રીતે વિદ્યાર્થી સંખ્યા અને કર્મચારી સંબંધિત માહિતી બંને પોર્ટલ પર મેળ ખાતી થાય તે સુનિશ્ચિત કરવાનું શાળાઓને કહેવામાં આવ્યું છે.
પરિપત્રમાં UDISE+ના આંકડાને સરકારી યોજનાઓ, નાણાકીય બાબતો અને વહીવટી નિર્ણયો માટેનો મુખ્ય આધાર ગણાવવામાં આવ્યો છે. બિનશિક્ષક કર્મચારીઓ—ક્લાર્ક સહિત—માટે મંજૂર થનારી સંખ્યા નક્કી કરવામાં પણ આ માહિતીનો ઉપયોગ થશે. UDISE+ શાળાઓની વિગતો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો અંગેનો ડેટા નોંધવા માટેનું શિક્ષણ વિભાગનું પોર્ટલ છે; તેમાં દાખલ માહિતીની અધિકારીઓ દ્વારા ચકાસણી પણ થાય છે.
અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ જિલ્લા શિક્ષણ અધિકારીઓએ શાળાઓને જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગાંધીનગર સ્થિત શાળા કમિશનરની કચેરી તરફથી ફરી ચકાસણી કરવામાં આવશે. તે સમયે ભૂલ કે વિસંગતિ જણાય તો સંબંધિત શાળાના આચાર્ય અને સંચાલક મંડળને જવાબદાર ગણવામાં આવશે. શિક્ષણ નિરીક્ષકોને પણ સુધારાની કામગીરી પર સતત નજર રાખવા અને નક્કી કરેલી મુદતમાં પ્રક્રિયા પૂર્ણ થાય તેની ખાતરી કરવા સૂચના અપાઈ છે.
