ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત 2 લાખથી વધુ કર્મચારીઓના વાર્ષિક ગોપનીય અહેવાલ (ACR) તૈયાર કરવાની અને તેની સમીક્ષા કરવાની પ્રક્રિયા હવે ઓનલાઇન કરવામાં આવશે. આ સમગ્ર કામગીરી પ્રથમ વખત શિક્ષક પોર્ટલ મારફતે હાથ ધરાવાની છે. તેમાં વિદ્યાસહાયકો, પ્રાથમિક શિક્ષકો, મુખ્ય શિક્ષકો તેમજ ડેપ્યુટેશન પર કાર્યરત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર (CRC) અને બ્લોક રિસોર્સ સેન્ટર (BRC) સંયોજકોનો સમાવેશ થશે.

અત્યાર સુધી ACR તૈયાર કરવા અને સાચવવા માટે ઓફલાઇન પદ્ધતિ વપરાતી હતી. આથી રેકોર્ડ સંભાળવામાં મુશ્કેલી પડતી હતી અને આંતરજિલ્લા બદલી તથા ઉચ્ચતર પગારધોરણ જેવા સેવાકીય મુદ્દાઓના નિકાલમાં વિલંબ થતો હતો. નવી વ્યવસ્થામાં અહેવાલ અને તેની સમીક્ષા પોર્ટલ પર થશે; વિભાગે આ પ્રક્રિયા માટે તબક્કાવાર સમયપત્રક પણ નક્કી કર્યું છે.

પોર્ટલ પર વિગતો ચકાસવાની સમયમર્યાદા

ACR 15 ઓક્ટોબર સુધીમાં ઓનલાઇન જનરેટ કરવાના છે. ત્યાર બાદ કર્મચારીઓએ 16થી 31 ઓક્ટોબર દરમિયાન પોર્ટલ પર પોતાની મૂળભૂત વિગતો ચકાસીને જરૂર હોય તો અપડેટ કરવાની રહેશે. કર્મચારીઓની વિગતોની ચકાસણી પૂરી થયા પછી, રિપોર્ટિંગ અધિકારીઓ 1થી 30 નવેમ્બર દરમિયાન ઓનલાઇન મૂલ્યાંકન કરશે. ત્યાર પછી સમીક્ષા અધિકારીઓ માટે 1થી 30 ડિસેમ્બર સુધીનો સમય નક્કી કરાયો છે.

સમયમર્યાદા પછી ફોર્મમાં ફેરફાર નહીં

ACR કર્મચારી અને સરકાર બંને માટે મહત્ત્વનો અને ગોપનીય દસ્તાવેજ હોવાથી અધિકારીઓને મૂલ્યાંકન માટે પૂરતો સમય ફાળવવા અને જવાબદારીપૂર્વક નોંધો લખવા સૂચના આપવામાં આવી છે. રૂઢિગત કે ઉતાવળમાં કરેલી ટિપ્પણીઓ ટાળવા પણ ભાર મૂકાયો છે.

ફોર્મ સબમિટ થયા પછી અથવા તેની નિયત સમયમર્યાદા પૂરી થયા બાદ તેમાં ફેરફાર કે ફોર્મ પાછું ખેંચી શકાશે નહીં. જો કોઈ અધિકારી નક્કી કરેલા ગાળામાં અહેવાલ લખવાની કે તેની સમીક્ષા કરવાની કામગીરી પૂરી નહીં કરે, તો સિસ્ટમ અહેવાલને આપમેળે આગળના તબક્કે મોકલશે. વિલંબની જવાબદારી સંબંધિત અધિકારી અથવા કર્મચારીની રહેશે અને જવાબદાર સામે કાર્યવાહી થઈ શકે છે. તેથી કર્મચારીઓએ વિગતો ચકાસવાની અને અધિકારીઓએ મૂલ્યાંકન-સમીક્ષાની કામગીરી દર્શાવેલી તારીખોમાં પૂરી કરવાની રહેશે.