ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષક કેડરની 12,752 જગ્યાઓ પર સીધી ભરતી માટે વિસ્તૃત નોટિફિકેશન જાહેર કર્યું છે. ધોરણ-12 પાસ ઉમેદવારો 16 ડિસેમ્બર, 2026 સુધી OJAS વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકશે. પસંદગી પ્રક્રિયામાં પહેલાં શારીરિક કસોટી અને તેમાં પાસ થયેલા ઉમેદવારો માટે 200 ગુણની લેખિત પરીક્ષા યોજાશે.

દોડની કસોટી પાસ કરવી ફરજિયાત

શારીરિક કસોટી માત્ર લાયકાત માટેની રહેશે. પુરુષ ઉમેદવારોએ 5,000 મીટરની દોડ 25 મિનિટમાં પૂરી કરવી પડશે. મહિલા ઉમેદવારો માટે 1,600 મીટર દોડનો સમય 9 મિનિટ 30 સેકન્ડ છે, જ્યારે ભૂતપૂર્વ સૈનિકોએ 2,400 મીટર દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. આ કસોટીમાં સફળ ઉમેદવારો જ લેખિત પરીક્ષામાં બેસી શકશે.

લેખિત પરીક્ષામાં બે ભાગ

લેખિત પરીક્ષા કુલ 200 ગુણની રહેશે. પાર્ટ-A 80 ગુણનો છે; તેમાં રિઝનિંગ, ગણિત અને ગુજરાતી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો પૂછાશે. પાર્ટ-B 120 ગુણનો છે; તેમાં બંધારણ, વર્તમાન પ્રવાહો, વિજ્ઞાન-ટેક્નોલોજી, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળનો સમાવેશ થાય છે. બંને ભાગમાં અલગ-અલગ ઓછામાં ઓછા 40 ટકા ગુણ મેળવવા ફરજિયાત છે.

દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે. કોઈ પ્રશ્નનો જવાબ ન આપવો હોય તો ‘E’ વિકલ્પ પસંદ કરવો પડશે. ભરતીમાં વેઇટિંગ લિસ્ટ રાખવામાં નહીં આવે.

વયમર્યાદા, ફી અને વધારાના ગુણ

16 ડિસેમ્બર, 2026ના રોજ ઉમેદવારની ઉંમર 18થી 33 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. અનામત વર્ગના પુરુષો અને સામાન્ય વર્ગની મહિલાઓને વયમર્યાદામાં પાંચ વર્ષની, જ્યારે અનામત વર્ગની મહિલાઓને 10 વર્ષની છૂટ મળશે. ફક્ત સામાન્ય વર્ગના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી 19 ડિસેમ્બર સુધી ઑનલાઇન ભરવાની રહેશે.

NCC ‘C’ પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારને બે ગુણ મળશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના અભ્યાસક્રમ મુજબ ત્રણથી 10 ગુણ મળી શકે છે. રમતવીરો અને વિધવા મહિલા ઉમેદવારોને લેખિત પરીક્ષાના કુલ ગુણના પાંચ ટકા વધારાના ગુણ આપવાની જોગવાઈ છે.

અરજી OJAS વેબસાઇટ મારફતે જ કરવાની રહેશે. ભરતી અંગે મૂંઝવણ હોય તો 26 નવેમ્બરથી 16 ડિસેમ્બર દરમિયાન સવારે 10:30થી સાંજે 6 વાગ્યા સુધી ટોલ-ફ્રી નંબર 1800 233 5500 પર સંપર્ક કરી શકાશે.