ગુજરાતની સરકારી શાળાઓમાં બહારની વ્યક્તિઓના પ્રવેશ અને શાળા પરિસરમાં થતી રેકોર્ડિંગ પ્રવૃત્તિઓ માટે શિક્ષણ વિભાગે નિયમો જાહેર કર્યા છે. 21 ઓક્ટોબર, 2026ના રોજ બહાર પડેલા પરિપત્ર મુજબ, આચાર્ય અથવા સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી વિના કોઈ બાહ્ય વ્યક્તિ શાળા પરિસરમાં પ્રવેશી શકશે નહીં. પ્રવેશ પહેલાં મુલાકાતીએ રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધાવવી પડશે.
ફરજ બજાવવા આવતા અધિકૃત સરકારી અધિકારીઓને આ નિયમમાંથી મુક્તિ છે. જોકે, શાળા પરિસરમાં કોને પ્રવેશ આપવો તે અંગેની પ્રક્રિયા અને મુલાકાતીની નોંધ રાખવાની જવાબદારી શાળા સત્તાધિકારીઓની રહેશે.
ફોટો, વીડિયો અને રેકોર્ડિંગ માટે પણ મંજૂરી જરૂરી
આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી વિના વિદ્યાર્થીઓ, શિક્ષકો કે શાળાની પ્રવૃત્તિઓનું ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ઇન્ટરવ્યૂ, ઑડિયો રેકોર્ડિંગ અથવા લાઇવ સ્ટ્રીમિંગ કરી શકાશે નહીં. આવી પ્રવૃત્તિ કાયદેસર હેતુ માટે જ મંજૂર થઈ શકશે. મુલાકાતી કોઈ બાળકની વ્યક્તિગત માહિતી એકત્ર કરે અથવા તેની ઓળખ કે ફોટો પ્રકાશિત કરે, તો તેનાથી બાળકની સુરક્ષા, ગૌરવ કે ગોપનીયતા પર અસર ન થાય તેની કાળજી રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.
શાળાના પરિસરમાં વર્ગખંડ, પ્રયોગશાળા, પુસ્તકાલય, છાત્રાલય, રમતનું મેદાન, શૌચાલય અથવા વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ ચાલતી હોય તેવા વિસ્તારમાં પ્રવેશ માટે પણ આચાર્ય, શિક્ષક અથવા અધિકૃત શાળા અધિકારીની સાથે પૂર્વ લેખિત મંજૂરી લેવી પડશે.
નિયમભંગ થાય તો પોલીસ અને શિક્ષણ અધિકારીઓને જાણ
પરિપત્ર મુજબ, શાળાની સુરક્ષા, ગોપનીયતા, શિસ્ત કે ભણતરના વાતાવરણને અસર થવાની શક્યતા હોય તો આચાર્ય મુલાકાતીને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકે છે અથવા પરિસર છોડવા કહી શકે છે. કોઈ વ્યક્તિ અનધિકૃત રીતે પ્રવેશ કરે, બહાર જવાનો ઇનકાર કરે, મંજૂરી વિના રેકોર્ડિંગનો પ્રયાસ કરે કે શાળાની કામગીરીમાં અવરોધ ઊભો કરે, તો સ્થાનિક પોલીસ અને શિક્ષણ અધિકારીઓને તાત્કાલિક જાણ કરવાની રહેશે.
વિદ્યાર્થીઓના ફોટા, વીડિયો કે વ્યક્તિગત માહિતીનો સંગ્રહ, પ્રકાશન અથવા પ્રસાર તેમની ગોપનીયતા, ગૌરવ કે સુરક્ષાને જોખમમાં મૂકે નહીં તેની ખાતરી રાખવાની જવાબદારી શાળા સત્તાધિકારીઓ પર મૂકાઈ છે. પરિપત્રમાં નિયમભંગ સામે લાગુ પડતા કાયદા હેઠળ કાર્યવાહી કરવાની જોગવાઈનો ઉલ્લેખ છે. તેમાં ભારતીય ન્યાય સંહિતા, 2023, પોક્સો અધિનિયમ, 2012 અને માહિતી ટેક્નોલોજી અધિનિયમ, 2000નો સમાવેશ થાય છે.
