ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ લૉ કોલેજોમાં અધ્યાપકોની ભરતી હવે ખાનગી એજન્સી મારફતે નહીં, પરંતુ સરકાર પોતાની દેખરેખ હેઠળ કરશે. આઉટસોર્સિંગથી કરવામાં આવેલી ભરતી સામે હાઇકોર્ટના વલણ બાદ અગાઉની પ્રક્રિયા રદ કરવામાં આવી છે. હવે ખાલી પડેલી જગ્યાઓ માટે સરકાર દ્વારા જાહેરાત બહાર પાડીને કેન્દ્રીયકૃત ભરતી કરવાની તૈયારી ચાલી રહી છે.
રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી સરકારી અને અનુદાનિત લૉ કોલેજોમાં વર્ગ-2 કેડરના અધ્યાપકોની ભરતી માટે આઉટસોર્સિંગ પદ્ધતિ અપનાવવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ખાનગી એજન્સી મારફતે અધ્યાપકોની નિમણૂક કરવાની જોગવાઈ હતી. હાઇકોર્ટે શૈક્ષણિક પદોની ભરતી આ રીતે કરવાના નિર્ણય સામે ગંભીર વાંધો વ્યક્ત કર્યા બાદ સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડ્યું હતું. ત્યારબાદ ભરતી સંબંધિત વર્ક ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો.
નવી ભરતી માટે દરખાસ્ત તૈયાર
હાલની માહિતી મુજબ, અગાઉ ભરતી કરાયેલા અંદાજે 112 અધ્યાપકોને છૂટા કરવામાં આવ્યા છે. આ જગ્યાઓ ફરી ભરવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવશે અને ઉમેદવારોની પસંદગી સરકાર અથવા સરકારની નિયુક્ત સંસ્થા મારફતે કરવામાં આવશે.
આ પ્રક્રિયા પૂર્ણ થવામાં સમય લાગી શકે છે. જાહેરાત, અરજીઓની ચકાસણી, પસંદગી અને નિમણૂકના તબક્કાઓને કારણે બેથી ત્રણ મહિના સુધી વિદ્યાર્થીઓને નિયમિત અધ્યાપકોની અછતનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. જોકે, ભરતીનો સત્તાવાર સમયપત્રક હજુ જાહેર થયો નથી.
વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક શૈક્ષણિક પડકાર
નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે અધ્યાપકોની ઉપલબ્ધતા સૌથી મોટો પ્રશ્ન બની છે. અનેક લૉ કોલેજોમાં અગાઉની ભરતી રદ થયા બાદ વર્ગો અને શૈક્ષણિક કામગીરી પર અસર પડી શકે છે. નવી ભરતી પૂર્ણ થાય ત્યાં સુધી કોલેજોએ ઉપલબ્ધ સંસાધનોના આધારે શિક્ષણ વ્યવસ્થા જાળવવી પડશે.
આ મામલે નિષ્ણાતોનું કહેવું છે કે વર્ગ-2ના શૈક્ષણિક પદો માટે આઉટસોર્સિંગ પદ્ધતિ યોગ્ય નથી, જ્યારે વર્ગ-3 અથવા તેનાથી નીચલી કેડરની કેટલીક જગ્યાઓ માટે આવી પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે ભરતી પ્રક્રિયા રાજ્ય સરકાર અથવા તેની નિયંત્રણ હેઠળની સંસ્થા મારફતે હાથ ધરવાની ખાતરી આપી હતી.
