ગુજરાતની સરકારી અને અનુદાનિત ડિગ્રી તથા ડિપ્લોમા ઇજનેરી કોલેજોના અધ્યાપકો માટે 2016થી પેન્ડિંગ રહેલા Career Advancement Scheme (CAS)ના પ્રશ્નમાં આંશિક ઉકેલ આવ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ સાથેની બેઠકો બાદ કુલ 265 અધ્યાપકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ નિર્ણય હેઠળ ડિગ્રી ઇજનેરી કોલેજોના 92 અને ડિપ્લોમા ઇજનેરી કોલેજોના 173 અધ્યાપકોને લાભ મળશે. સાતમા પગારપંચની CAS જોગવાઈઓ હેઠળ છઠ્ઠા અને સાતમા પગારપંચ પ્રમાણે અલગ-અલગ Academic Grade Pay તથા Academic Level Movementનો લાભ આપવામાં આવશે. અધ્યાપકોને CAS હેઠળ 9 હજારથી 11 હજાર સુધીના પગારલાભ મળવાના છે.
265 અધ્યાપકોના ઓર્ડરનો નિર્ણય
સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપક મંડળે છેલ્લા કેટલાક સમયથી CAS સહિતના વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી. આ મુદ્દે શિક્ષણ મંત્રી અને ટેકનિકલ શિક્ષણ કમિશનર સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં CAS, ટ્રાન્સફર, સેવા સળંગતા અને વર્ગ-3ની ભરતી સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
અધ્યાપક મંડળના જનરલ સેક્રેટરી પંકજ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, 2016થી વહીવટી નિર્ણય ન થતાં CAS સંબંધિત અનેક ઓર્ડર અટવાયેલા હતા. હવે તેમાંના 265 અધ્યાપકોના કેસમાં નિર્ણય લેવાયો છે. જોકે આશરે 150 અધ્યાપકોના CAS ઓર્ડર હજુ બાકી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ટ્રાન્સફર અને ભરતીના પ્રશ્નો યથાવત્
અધ્યાપક મંડળે જણાવ્યું છે કે ઘણા અધ્યાપકોના પતિ-પત્ની અલગ-અલગ કોલેજોમાં ફરજ બજાવે છે. આવા કિસ્સામાં બંનેને એક જ સ્થળે મૂકવાની માગણી કરવામાં આવી છે. મેડિકલ કારણોસર ટ્રાન્સફર ઇચ્છતા અધ્યાપકોના કેસમાં પણ નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે.
અધ્યાપકોની છેલ્લી ટ્રાન્સફર પ્રક્રિયા 2022માં થઈ હતી. ત્યાર બાદ મેડિકલ અને અન્ય કારણોસર ટ્રાન્સફર માટે રજૂઆતો થઈ હોવા છતાં અનેક કેસમાં નિર્ણય બાકી હોવાનું મંડળનું કહેવું છે.
ભરતીનો પ્રશ્ન પણ લાંબા સમયથી પડતર છે. અધ્યાપક મંડળના જણાવ્યા અનુસાર, 2016 પછી વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ 2016માં ભરતીની જાહેરાત બાદ 2020માં ઓર્ડર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી નવી ભરતી પ્રક્રિયા શરૂ ન થતાં સરકારી ઇજનેરી કોલેજોમાં અધ્યાપકો અને અન્ય સ્ટાફની અછત ઊભી થઈ છે.
અમદાવાદની બે કોલેજોમાં પણ જગ્યાઓ ખાલી
અધ્યાપક મંડળના આંકડા મુજબ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસરની 22, એસોસિયેટ પ્રોફેસરની 23 અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 44 જગ્યાઓ ખાલી છે. વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસરની 2, એસોસિયેટ પ્રોફેસરની 7 અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 26 જગ્યાઓ ખાલી હોવાનું જણાવાયું છે.
રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોમાં વર્ગ-3ના આશરે 70 ટકા સ્ટાફ, વર્ગ-1ની 25થી 30 ટકા જગ્યાઓ અને પ્રોફેસરની આશરે 50 ટકા જગ્યાઓ ખાલી હોવાનો દાવો અધ્યાપક મંડળે કર્યો છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી અને પાત્ર અધ્યાપકોને પ્રમોશન આપવાની માગણી કરવામાં આવી છે.
