ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS)ના ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના ઉમેદવારો માટે નવેમ્બર-ડિસેમ્બર 2026ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પરીક્ષાઓ 30 નવેમ્બરથી શરૂ થઈને 9 ડિસેમ્બર 2026 સુધી યોજાશે.

ધોરણ 10ની પરીક્ષા 30 નવેમ્બરથી શરૂ થશે. પ્રથમ દિવસે ગણિતનું પ્રશ્નપત્ર લેવામાં આવશે અને આ પરીક્ષા 8 ડિસેમ્બર સુધી ચાલશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ 30 નવેમ્બરથી શરૂ થઈને 9 ડિસેમ્બર સુધી યોજાશે.

ધોરણ 12 માટે બે સેશન

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પેપરો બે સેશનમાં લેવામાં આવશે. સવારનું સેશન સવારે 10:30થી બપોરે 1:45 સુધી રહેશે, જ્યારે બપોરનું સેશન બપોરે 3:00થી સાંજે 6:15 વાગ્યા સુધી રહેશે.

ધોરણ 12ના કમ્પ્યુટર પરિચય (331) વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે. વોકેશનલ અને કેટલાક વિશિષ્ટ વિષયોના સમય વિષયવાર અલગ હોઈ શકે છે. સંપૂર્ણ કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાયો છે.