ગાંધીનગરમાં કાઠી દરબાર સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થવા તૈયાર કરાયેલા ‘કાઠિયાવાડ ભવન’નું 22 ઑક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં લોકાર્પણ થવાનું છે. કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટે ઊભા કરેલા આ સંકુલમાં એકસાથે 80 વિદ્યાર્થીઓ કોચિંગ મેળવી શકશે. તેમાં સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક લાઇબ્રેરી, હોસ્ટેલ અને ભોજનાલયની વ્યવસ્થા છે.
ટ્રસ્ટનો હેતુ વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે રહેવા, ભોજન અને કોચિંગની સુવિધા આપવાનો છે. વિદ્યાર્થીઓ પાસેથી ટોકન ફી લેવાનો વિચાર છે, પરંતુ તેની ચોક્કસ રકમ હજુ નક્કી થઈ નથી. નિષ્ણાત શિક્ષકોને જોડવાની સાથે ઑનલાઇન વર્ગોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શિક્ષક સ્થળ પર હાજર ન રહી શકે તો પોતાના સ્ટુડિયોમાંથી લાઇવ ભણાવી શકે તેવી ગોઠવણ છે. રાજકોટ અને બોટાદની બોર્ડિંગમાં રહેતા વિદ્યાર્થીઓ સુધી પણ આ ઑનલાઇન સુવિધા પહોંચાડવાનો ટ્રસ્ટનો પ્રયાસ છે.
પ્રથમ બેચ માટે 50 વિદ્યાર્થીઓની પસંદગી
પ્રથમ બેચ માટે 600થી વધુ યુવાનોએ નોંધણી કરાવી હતી. તેમાંથી 224 ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા આપી હતી અને મેરિટના આધારે 50ની પસંદગી કરવામાં આવી છે. તેમનું કોચિંગ 25 ઑક્ટોબરથી શરૂ કરવાનું આયોજન છે. પસંદગી પ્રક્રિયામાં સમગ્ર ગુજરાતના ઉમેદવારોને સામેલ કરાયા હતા. ટ્રસ્ટ નિષ્ણાતોની મદદથી અભ્યાસક્રમ તૈયાર કરે છે; ઉમેદવારોને અભ્યાસક્રમ અગાઉથી આપ્યા પછી તેના આધારે MCQ પરીક્ષા લેવાય છે અને મેરિટ પ્રમાણે પસંદગી થાય છે.
અહીં GPSC, UPSC, વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની ભરતી ઉપરાંત PSI તથા પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરાવવાની યોજના છે. કાયમી ભવન પહેલાં ટ્રસ્ટે 2020માં કામચલાઉ કાઠિયાવાડ ભવનમાં 39 વિદ્યાર્થીઓ સાથે તાલીમ શરૂ કરી હતી. ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે, તે બેચના આશરે 26 વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળી હતી. યુવાનોને કાયમી કોચિંગ અને રહેઠાણ મળી રહે તે માટે નવું ભવન બનાવવાનો નિર્ણય લેવાયો હતો.
હાલનું સંકુલ યુવાનો માટે છે. સમાજની દીકરીઓ માટે પણ અલગ સંકુલ ઊભું કરવાનો વિચાર છે. સાવરકુંડલાના પીઠાબાપુ વાસુરબાપુ ખુમાણ ટ્રસ્ટ આ દિશામાં પ્રયાસ કરી રહ્યું છે; યોગ્ય સરકારી જમીન અથવા બીજી વ્યવસ્થા મળે તો યોજના આગળ વધારવાની વાત છે.
