CBSEની ત્રણ ભાષાની નીતિને લઈને સુપ્રીમ કોર્ટે હાલ ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. કોર્ટે CBSEને ધોરણ 7થી 9ના વિદ્યાર્થીઓને મળતી સમાન છૂટ ધોરણ 6ના વિદ્યાર્થીઓને પણ આપવા નિર્દેશ કર્યો છે.

આ રાહત હેઠળ વિદ્યાર્થીઓએ ત્રીજી ભાષાનો અભ્યાસ ચાલુ રાખવાનો રહેશે, પરંતુ ધોરણ 10માં આ વિષય માટે CBSE બોર્ડ પરીક્ષા આપવાની ફરજ નહીં રહે. તેના બદલે ત્રીજી ભાષાનું મૂલ્યાંકન આંતરિક મૂલ્યાંકનના આધારે કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટ સમક્ષ CBSEની નવી ત્રણ ભાષાની વ્યવસ્થાના અમલીકરણને પડકારતી અરજીઓની સુનાવણી ચાલી રહી છે. 2026-27ના શૈક્ષણિક સત્રથી ધોરણ 6 માટે ત્રીજી ભાષા લાગુ કરવામાં આવી છે. અગાઉ CBSEએ ધોરણ 6માં R3 એટલે કે ત્રીજી ભાષા શરૂ કરવા અંગે પરિપત્ર જાહેર કર્યો હતો.

આ નિર્ણયથી હાલના ધોરણ 6ના વિદ્યાર્થીઓ પર નવી ભાષાની બોર્ડ પરીક્ષાનો વધારાનો ભાર નહીં રહે, જ્યારે નીતિ મુજબ ભાષા ભણવાની પ્રક્રિયા ચાલુ રહેશે.