નવી દિલ્હી: CBSEની ત્રણ ભાષાની નીતિ અંગે સુપ્રીમ કોર્ટે વર્તમાન ધોરણ 6ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. કોર્ટે CBSEને ધોરણ 7થી 9ના વિદ્યાર્થીઓને મળતી સમાન છૂટ ધોરણ 6ના વિદ્યાર્થીઓને પણ આપવા નિર્દેશ કર્યો છે.

આ નિર્ણય મુજબ વિદ્યાર્થીઓએ નવી ત્રીજી ભાષાનો અભ્યાસ ચાલુ રાખવો પડશે, પરંતુ ધોરણ 10માં તે વિષયની CBSE બોર્ડ પરીક્ષા આપવી નહીં પડે. ત્રીજી ભાષાનું મૂલ્યાંકન આંતરિક અથવા શાળાકીય સ્તરે કરવામાં આવશે.

કોર્ટે એવા વિદ્યાર્થીઓ માટે પણ રાહત જાળવી રાખી છે, જેઓ હાલમાં બે બિન-ભારતીય ભાષાઓ ભણે છે. આવા વિદ્યાર્થીઓને પોતાની હાલની ભાષાઓ બદલવાની ફરજ નહીં પડે અને તેઓ વધારાની ભારતીય ભાષાને ત્રીજી ભાષા તરીકે લઈ શકશે.

CBSEએ 2026-27 શૈક્ષણિક સત્રથી ધોરણ 6 સહિતના વર્ગોમાં ત્રણ ભાષાનો અભ્યાસ અમલમાં મૂક્યો હતો. આ નીતિ હેઠળ ઓછામાં ઓછી બે ભાષા ભારતીય ભાષાઓ હોવાની જોગવાઈ છે. નીતિના અમલ અને વિદ્યાર્થીઓ પર પડનારા શૈક્ષણિક બોજાને લઈને માતા-પિતા તથા શિક્ષકો તરફથી વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટનો આ આદેશ હાલના ધોરણ 6ના બેચ માટે લાગુ થશે.