ભાવનગર: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં રેગ્યુલર સેમેસ્ટર-1ની પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં ABC IDને લગતી ટેકનિકલ મુશ્કેલીનો મુદ્દો સામે આવ્યો છે. અનેક વિદ્યાર્થીઓની Academic Bank of Credits (ABC) ID બની નથી અથવા ટેકનિકલ કારણોસર સિસ્ટમમાં ઉપલબ્ધ નથી. પરિણામે કેટલાક વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરવાની મંજૂરી મળતી નથી.

યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં સેમેસ્ટર-1માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે ABC ID વગર અથવા સિસ્ટમમાં ID ઉપલબ્ધ ન હોવાને કારણે ફોર્મ આગળ વધતું નથી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને ટેકનિકલ મુશ્કેલી, જરૂરી દસ્તાવેજોની અછત અથવા અન્ય વહીવટી કારણોસર ABC ID મેળવવામાં વિલંબ થયો હોવાનું જણાવાયું છે.

ABC ID વગર પરીક્ષાથી વંચિત ન રાખવા માંગ

નવી શિક્ષણ નીતિ હેઠળ ABC IDનું મહત્વ છે, પરંતુ માત્ર આ ID ઉપલબ્ધ ન હોવાને કારણે વિદ્યાર્થી પરીક્ષા આપી ન શકે તેવી સ્થિતિ ઊભી ન થાય તે જરૂરી છે. આ મુદ્દે NSUIએ યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરીને ABC ID ન ધરાવતા વિદ્યાર્થીઓને પણ હાલ પરીક્ષા ફોર્મ ભરવાની મંજૂરી આપવા માંગ કરી છે.

સંસ્થાએ વિદ્યાર્થીઓને ABC ID મેળવવા માટે યોગ્ય સમયમર્યાદા આપવાની પણ માગણી કરી છે. ટેકનિકલ અથવા વહીવટી ખામીના કારણે કોઈ વિદ્યાર્થીનું શૈક્ષણિક નુકસાન ન થાય અને પરીક્ષામાંથી વંચિત ન રહે તે માટે તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરવામાં આવી છે.

એનરોલમેન્ટ નંબર આધારિત પ્રક્રિયાનો સૂચન

કોલેજોમાં નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ નંબર આપવામાં આવે છે. આ નંબરનો ઉપયોગ કરીને પરીક્ષા ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બનાવી શકાય તેવો સૂચન પણ કરવામાં આવ્યો છે.

એકેડેમિક વિભાગ દ્વારા એવી સોફ્ટવેર વ્યવસ્થા વિકસાવવામાં આવે કે વિદ્યાર્થી માત્ર એનરોલમેન્ટ નંબર દાખલ કરે અને તેની જરૂરી વિગતો આપમેળે સિસ્ટમમાં આવી જાય. આથી ABC IDને લગતી સમસ્યાઓ વચ્ચે પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બની શકે છે.

યુનિવર્સિટીની પરીક્ષા ફોર્મ વ્યવસ્થામાં સામાન્ય રીતે SID અથવા એનરોલમેન્ટ નંબર દ્વારા વિદ્યાર્થીની વિગતો મેળવવાની સુવિધા વપરાય છે.