મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં પીજી સેમેસ્ટર-1ની પરીક્ષા અને વાર્ષિક યુવક મહોત્સવની તારીખો વચ્ચે ઓછું અંતર રહેતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પીજી સેમેસ્ટર-1ની પરીક્ષા 2 ડિસેમ્બરથી શરૂ થવાની છે, જ્યારે યુનિવર્સિટીનો યુવક મહોત્સવ 12 ડિસેમ્બરથી યોજાવાનો છે.

જો પીજી સેમેસ્ટર-1માં નિયમ મુજબ પાંચ પેપરની પરીક્ષા લેવામાં આવે તો પરીક્ષા પૂર્ણ થવામાં ઓછામાં ઓછો એક અઠવાડિયો લાગી શકે છે. આ ગણતરી પ્રમાણે પરીક્ષા 8 કે 9 ડિસેમ્બર સુધી ચાલવાની શક્યતા છે. પરિણામે વિદ્યાર્થીઓને યુવક મહોત્સવની તૈયારી માટે માત્ર 2થી 3 દિવસનો સમય જ મળી શકે છે.

રિહર્સલ માટે પૂરતો સમય નહીં મળે

યુવક મહોત્સવમાં નાટક, સંગીત, લોકનૃત્ય અને સાહિત્યિક સ્પર્ધાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ અગાઉથી લાંબી પ્રેક્ટિસ અને રિહર્સલ કરવી પડે છે. પરીક્ષાની તૈયારી સાથે આ પ્રવૃત્તિઓ માટે સમય ફાળવવો મુશ્કેલ બનશે તેવી વિદ્યાર્થીઓમાં ભીતિ છે. પરીક્ષા પૂરી થયા બાદ તરત જ મહોત્સવની તૈયારી કરવી પડે તો પીજીના ઘણા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે નહીં તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.

વિદ્યાર્થીઓનો સવાલ છે કે પરીક્ષાની તૈયારી કરવી કે યુવક મહોત્સવ માટે રિહર્સલ કરવી? યુનિવર્સિટીનું વાર્ષિક સાંસ્કૃતિક આયોજન વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા રજૂ કરવાની તક આપે છે, પરંતુ પરીક્ષાની તારીખો સાથે ગોઠવણી ન થતાં બંને પ્રવૃત્તિઓ વચ્ચે સીધો સમયસંઘર્ષ સર્જાયો છે.

પ્રવેશમાં વિલંબથી શૈક્ષણિક દિવસો ઘટ્યા

આ સમગ્ર સ્થિતિ પાછળ GCAS પોર્ટલ મારફતે થયેલી વિલંબિત પ્રવેશ પ્રક્રિયાને મુખ્ય કારણ તરીકે જોવામાં આવી રહી છે. તાજેતરમાં પ્રવેશ મેળવનારા પીજી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં આશરે 25થી 30 દિવસનું જ શિક્ષણ મળ્યું હોવાનો દાવો છે. આટલા ઓછા સમયમાં સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ કરવો અધ્યાપકો માટે મુશ્કેલ બને છે અને તેની અસર પરીક્ષાની તૈયારી તથા શૈક્ષણિક ગુણવત્તા પર પડી શકે છે.

UGCના નિયમ મુજબ વર્ગખંડમાં 90 દિવસનું શિક્ષણ પૂર્ણ થવું જોઈએ તેવી દલીલ વચ્ચે પરીક્ષાની તારીખો અંગે અગાઉથી જ સવાલો ઉઠ્યા હતા. શરૂઆતમાં પીજીની પ્રથમ સેમેસ્ટર રેગ્યુલર પરીક્ષા 28 ઓક્ટોબરથી યોજાવાની હતી, પરંતુ બાદમાં તેને 2 ડિસેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો. તારીખમાં ફેરફારથી એક મુશ્કેલી ઓછી થઈ હોવા છતાં પરીક્ષા અને યુવક મહોત્સવ વચ્ચેનો સમયગાળો હજુ પણ અપૂરતો રહે છે.

સ્નાતક કક્ષાની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા પણ 26 ઓક્ટોબરથી શરૂ કરવાની જાહેરાત અંગે વિદ્યાર્થીઓમાં અસંતોષ છે. તેમનું કહેવું છે કે વર્ગખંડમાં પૂરતા શિક્ષણદિવસો પૂર્ણ થયા નથી, તેથી પરીક્ષાનું આયોજન શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને થવું જોઈએ.