અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS)ની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા 30 નવેમ્બરથી શરૂ થશે. શહેરનાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં કુલ 10 ઇમારતોમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. બોર્ડના ઇતિહાસમાં પહેલી વાર આ પરીક્ષા શૈક્ષણિક સત્રની વચ્ચે નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નવેમ્બર-ડિસેમ્બર 2026 માટેનું પરીક્ષા સમયપત્રક જાહેર કર્યું છે. તેમાં ધોરણ 10ની પરીક્ષા 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી દર્શાવાઈ છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોરણ 10 માટે ચાર ઇમારતોમાં 951 અને ધોરણ 12 માટે એક ઇમારતમાં 97 ઉમેદવારો પરીક્ષા આપશે. આમ, પૂર્વ વિસ્તારમાં કુલ 1,048 ઉમેદવારો નોંધાયા છે. પશ્ચિમ વિસ્તારમાં ધોરણ 10ના 378 ઉમેદવારો માટે ત્રણ અને ધોરણ 12ના 95 ઉમેદવારો માટે બે ઇમારતોમાં વ્યવસ્થા છે. પશ્ચિમ વિસ્તારના કુલ 473 ઉમેદવારો સહિત શહેરમાં કુલ 1,521 ઉમેદવારો પરીક્ષા આપશે.

પરીક્ષા કેન્દ્રો પર દેખરેખ અને સહાય

તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની દેખરેખ રહેશે. શહેરના બે સ્ટ્રોંગ રૂમમાંથી પરીક્ષાની સતત મોનિટરિંગ કરવામાં આવશે અને દરેક કેન્દ્ર માટે ઝોનલ ઓફિસર નીમવામાં આવ્યા છે. ઉમેદવારોને અવરજવર કે અન્ય વ્યવસ્થામાં મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ કલેક્ટરની હાજરીમાં યોજાયેલી બેઠકમાં પોલીસ, આરોગ્ય, ટોરેન્ટ પાવર અને ટ્રાન્સપોર્ટ વિભાગને જરૂરી સંકલન કરવા સૂચના અપાઈ હતી.

દિવ્યાંગ ઉમેદવારો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠકની વ્યવસ્થા અને જરૂરિયાત મુજબ લહિયાની સુવિધા રાખવામાં આવી છે. પરીક્ષા અંગેના વિષયસંબંધિત પ્રશ્નો કે તણાવ માટે અમદાવાદ શહેરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ‘સારથી હેલ્પલાઇન’ શરૂ કરી છે. 9909922648 નંબર પર માર્ગદર્શન મળશે; પરીક્ષાનો ડર દૂર કરવા મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગની પણ જોગવાઈ છે.

જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના જણાવ્યા મુજબ, શાળા છોડી ગયેલા અથવા પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના હિતમાં આ પરીક્ષા યોજાઈ રહી છે. પૂર્વ વિસ્તારના ઉમેદવારોને પૂર્વનાં અને પશ્ચિમ વિસ્તારના ઉમેદવારોને પશ્ચિમનાં કેન્દ્રો ફાળવવામાં આવશે.