ગુજરાતના યુવાનો માટે અગ્નિવીર ભરતી રેલી અંગે મહત્વની તારીખ જાહેર કરવામાં આવી છે. ભારતીય સેનાની આ ભરતી રેલી રાજકોટના Race Course Stadium ખાતે 4 એપ્રિલથી 8 એપ્રિલ 2026 દરમિયાન યોજાશે. રેલીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના ઉમેદવારો ભાગ લેશે.
ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોને તેમના જિલ્લો અને કેટેગરી પ્રમાણે અલગ-અલગ તારીખે બોલાવવામાં આવશે. 4 એપ્રિલે અમદાવાદ, અરવલ્લી, નર્મદા, નવસારી, તાપી, વડોદરા અને વલસાડના ઉમેદવારો માટે Agniveer General Duty કેટેગરીની પ્રક્રિયા રહેશે.
5 એપ્રિલે બનાસકાંઠા, ડાંગ, ભરૂચ, છોટા ઉદેપુર, વાવ-થરાદ, દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારના ઉમેદવારોને બોલાવવામાં આવશે. 6 એપ્રિલે આણંદ, દાહોદ, ગાંધીનગર, મહિસાગર, પંચમહાલ અને સુરતના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા થશે.
બાકીના જિલ્લાઓ માટે અલગ તારીખ
7 એપ્રિલે ખેડા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. 8 એપ્રિલે ARO Ahmedabad હેઠળ આવતા તમામ જિલ્લાઓના ઉમેદવારો માટે Agniveer Tradesman કેટેગરીની પ્રક્રિયા યોજાશે.
રેલીમાં હાજરી માટે ઉમેદવારોએ પોતાના રજિસ્ટર્ડ ઇ-મેઇલ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. ઉમેદવારોએ joinindianarmy.nic.in વેબસાઇટ પર યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરીને એડમિટ કાર્ડ મેળવી શકશે. રિપોર્ટિંગનો સમય એડમિટ કાર્ડમાં દર્શાવવામાં આવશે અને તે મુજબ જ પ્રવેશ આપવામાં આવશે.
ઉમેદવારોને એડમિટ કાર્ડમાં જણાવેલા તમામ મૂળ દસ્તાવેજો સાથે લાવવાની સૂચના આપવામાં આવી છે. એડમિટ કાર્ડ ન મળ્યું હોય તેવા ઉમેદવારોએ રેલી પહેલાં સંબંધિત Army Recruiting Officeનો સંપર્ક કરવો જોઈએ. ભરતી પ્રક્રિયા પારદર્શક અને મેરિટ આધારિત હોવાથી કોઈ દલાલ કે વચેટિયાના વચનોમાં ન આવવાની પણ સૂચના આપવામાં આવી છે.
