દિવાળી પહેલાં સામાન્ય રીતે કાપડ બજારમાં તેજીની અપેક્ષા રાખતા સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગ સામે આ વખતે વધતા ઉત્પાદન ખર્ચ અને નબળી માંગનું બેવડું દબાણ ઊભું થયું છે. પોલિએસ્ટર સહિતના મેન-મેડ ફાઇબર માટેના કાચા માલના ભાવમાં વધારો, ઊર્જા ખર્ચ અને વૈશ્વિક ક્રૂડ-પેટ્રોકેમિકલ બજારની અસ્થિરતાથી સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનનો ખર્ચ વધી રહ્યો છે.
દિવાળી પહેલાંના નિર્ણાયક ચાર સપ્તાહમાં પણ ખરીદી અપેક્ષા મુજબ મજબૂત ન બનતાં ઉદ્યોગકારોના માર્જિન પર સીધી અસર પડી રહી છે. વધેલો ખર્ચ વેપારીઓ અથવા ગ્રાહકો સુધી સંપૂર્ણ રીતે પહોંચાડવો મુશ્કેલ બની રહ્યો છે, જેના કારણે નાના અને મધ્યમ એકમો પર વર્કિંગ કેપિટલનું દબાણ વધ્યું છે.
પોલિએસ્ટર યાર્ન અને કોલસાના ભાવમાં વધારો
પોલિએસ્ટર યાર્નના ભાવમાં આશરે રૂ.20 પ્રતિ કિલોનો વધારો થયો છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)એ આ વધારાને અસામાન્ય ગણાવી સરકારના હસ્તક્ષેપની માંગ કરી છે. ઉદ્યોગ સંગઠને યાર્નના ભાવમાં પારદર્શિતા અને નિયમિત દેખરેખ માટે મોનિટરિંગ મિકેનિઝમની પણ માગણી કરી છે.
ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ એકમોમાં વપરાતા કોલસાના ભાવ ઓગસ્ટમાં આશરે રૂ.6,000 પ્રતિ ટનથી વધીને રૂ.9,500 પ્રતિ ટન સુધી પહોંચ્યા હતા. સારી ગુણવત્તાના કોલસાના ભાવ કેટલાક કિસ્સામાં રૂ.12,000 પ્રતિ ટન સુધી પહોંચ્યા હોવાનું ઉદ્યોગ ક્ષેત્રે જણાવાયું છે. કોલસા ઉપરાંત ડાઇઝ, કેમિકલ્સ, વીજળી અને મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે.
પ્રોસેસિંગ ચાર્જમાં 15 ટકાનો વધારો
વધેલા ઇનપુટ ખર્ચને પગલે દક્ષિણ ગુજરાતના પ્રોસેસિંગ એકમોએ સપ્ટેમ્બરથી જોબવર્ક ચાર્જમાં 15 ટકાનો વધારો કર્યો છે. આ વધારાને લઈને વેપારીઓ અને પ્રોસેસર્સ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પ્રોસેસર્સ માટે ખર્ચમાં વધારો સહન કરવો મુશ્કેલ છે, જ્યારે વેપારીઓ માટે બજારમાં નબળી માંગ વચ્ચે વધેલા ચાર્જ ગ્રાહકો સુધી પહોંચાડવા પડકારરૂપ બન્યા છે.
પ્રોસેસિંગ ઉદ્યોગના અગ્રણી જીતુભાઈ વખારિયાના જણાવ્યા અનુસાર, કાપડ ઉદ્યોગની વિવિધ શાખાઓના ઉદ્યોગકારોએ નાયબ મુખ્યમંત્રી સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરીને તાત્કાલિક રાહતની માંગ કરી છે.
ઉદ્યોગની નીતિગત રાહતની માંગ
SGCCIએ MEG અને PTA જેવા કાચા માલ પર બેઝિક કસ્ટમ્સ ડ્યુટીમાં રાહત આપવા સહિતની નીતિગત સહાયની માંગ કરી છે. ઉદ્યોગ સંગઠનનું કહેવું છે કે કાચા માલ અને ઊર્જા ખર્ચમાં સતત વધારો થવાથી ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનના અલગ-અલગ તબક્કે કાર્યરત એકમોની નાણાકીય સ્થિતિ પર અસર પડી રહી છે.
દિવાળી પહેલાં માંગમાં સુધારો થાય છે કે નહીં અને સરકાર તરફથી ખર્ચ ઘટાડવા માટે કોઈ પગલાં લેવાય છે કે નહીં, તેના પર હવે સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગની નજર છે.
