રાજકોટના શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનમાં ઉદ્યોગકારોના પ્રશ્નોના ઉકેલ માટે સરકાર, વહીવટી તંત્ર અને ઉદ્યોગ જગત વચ્ચે સંકલનથી કામ કરવાની ખાતરી આપવામાં આવી છે. શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વર્ષ 2025-26ની વાર્ષિક સાધારણ સભામાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવિયા અને ગુજરાતના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા.
પાળ રોડ પર આવેલા વિવાન્તા પાર્ટી લોન્સ ખાતે યોજાયેલી સભામાં ઔદ્યોગિક ક્ષેત્રની પ્રગતિ, ઝોનના સર્વાંગી વિકાસ અને ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજકોટના કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, પોલીસ કમિશનર વ્રજેશકુમાર ઝા, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મેયર નેહલભાઈ શુક્લા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
ઔદ્યોગિક ઝોનમાં આરોગ્ય સુવિધાની જાહેરાત
સભા દરમિયાન ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનમાં આયુર્વેદિક દવાખાનું બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શાપર-વેરાવળ રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આગામી સમયમાં વધુ સુવિધાઓ અને વિકાસલક્ષી આયોજન દ્વારા આ વિસ્તારને વધુ સક્ષમ ઔદ્યોગિક હબ બનાવવા સરકાર, વહીવટી તંત્ર અને ઉદ્યોગ જગતના સંકલિત પ્રયાસોની જરૂર છે.
એસોસિએશન દ્વારા ઔદ્યોગિક વિસ્તારના વિકાસ ઉપરાંત આરોગ્ય અને ઇમરજન્સી સેવાઓ માટે પણ વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી હોવાની માહિતી સભામાં રજૂ થઈ હતી. અગાઉની જાહેર માહિતી મુજબ, વિસ્તારમાં ફાયર સ્ટેશન, 108 સેવા માટેનું સપોર્ટ સેન્ટર અને બિઝનેસ સર્વિસ સેન્ટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આરોગ્ય સુવિધા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાવવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું હતું.
નવી ઉદ્યોગ નીતિના લાભો અંગે માર્ગદર્શન
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર લડાણીએ નવી ઉદ્યોગ નીતિ હેઠળ મળતા લાભો અંગે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું. સભામાં નક્કી કરાયેલા એજન્ડા મુજબ વિવિધ ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા, જેને સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના સંબોધનમાં દેશના અર્થતંત્ર, ઔદ્યોગિક વિકાસ અને ભવિષ્યની વિકાસયાત્રા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યમાં ઉદ્યોગકારો, વેપારીઓ અને નાના-મોટા ઉદ્યોગોની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. તેમણે ઉદ્યોગકારોને નવા રોકાણ, રોજગારી સર્જન અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી.
સભા દરમિયાન નવી પેઢીની ઔદ્યોગિક ક્ષેત્રે ભાગીદારી વધે તે હેતુથી યુવા ઉદ્યોગપતિઓનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. એસોસિએશનના હોદ્દેદારો, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ, વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ અને ઉદ્યોગપતિઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
