વૈશ્વિક સ્તરે વૃદ્ધિનો વેગ એકસરખો ન હોવા અને ભૂરાજકીય તણાવ વચ્ચે ઓક્ટોબરમાં ભારતની આર્થિક પ્રવૃત્તિ સ્થિર રહી હતી. વપરાશ, ધિરાણ અને નિકાસે તેને ટેકો આપ્યો હોવાનું ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 25 નવેમ્બરે જાહેર કરેલા નવેમ્બર બુલેટિનના ‘State of the Economy’ લેખમાં જણાવ્યું છે.

બુલેટિન મુજબ, ઓક્ટોબરમાં કુલ GST આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. જુલાઈ 2017માં GST લાગુ થયા પછીની આ બીજી સૌથી મોટી માસિક વસૂલાત હતી. આયાત અને ઘરેલુ પ્રવૃત્તિમાંથી મળેલી ઊંચી આવકને આ વધારા પાછળનું કારણ ગણાવાયું છે. ટોલ વસૂલાત, વીજળીની માંગ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના વપરાશમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી.

RBIએ કહ્યું કે બેન્કો અને બેન્કિંગ ક્ષેત્રની બહારની નાણાકીય સંસ્થાઓ મારફતે ધિરાણની વૃદ્ધિ ઘરેલુ અર્થતંત્રને ટેકો આપી રહી છે. સતત બે આંકડાની નિકાસ વૃદ્ધિએ પણ આર્થિક વિસ્તરણનો આધાર વ્યાપક કર્યો છે.

કંપનીઓના વેચાણ અને નફામાં વૃદ્ધિ

બુલેટિનમાં નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામોના આધારે શેરબજારમાં નોંધાયેલી ખાનગી બિન-નાણાકીય કંપનીઓની સ્થિતિનો પણ ઉલ્લેખ છે. વૈશ્વિક અનિશ્ચિતતા છતાં તેમનું એકંદર વેચાણ વધ્યું હતું. ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓએ આ વૃદ્ધિમાં મુખ્ય ફાળો આપ્યો; ખાસ કરીને ઓટોમોબાઇલ, પેટ્રોલિયમ અને કેમિકલ ક્ષેત્રની કંપનીઓનું વેચાણ આગળ રહ્યું.

IT અને અન્ય સેવા કંપનીઓના વેચાણમાં પણ વૃદ્ધિ ચાલુ રહી, જોકે તેની ગતિ અગાઉની સરખામણીએ ધીમી પડી હતી. ઉત્પાદન કંપનીઓનો વાર્ષિક ધોરણે ઓપરેટિંગ નફો બીજા ત્રિમાસિક ગાળામાં વધ્યો હતો. RBIએ તેનું કારણ મુખ્યત્વે ઊંચું વેચાણ ગણાવ્યું છે.

બેન્કિંગ તરલતા અને વૈશ્વિક જોખમ

ઓક્ટોબરમાં RBIની તરલતા સંબંધિત કામગીરી અને તહેવારોની મોસમમાં ચલણની માંગ વધતાં બેન્કિંગ સિસ્ટમની તરલતા મોટા ભાગે સામાન્ય થઈ હતી. ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં સરકારના રોકડ બેલેન્સમાં ઘટાડો થતાં સરપ્લસ ફરી વધ્યો હતો. જોકે, ત્યાર પછી સ્થિતિ કડક બની. RBIના આંકડા મુજબ, 13 સપ્ટેમ્બરે સિસ્ટમમાં લગભગ ₹11 ટ્રિલિયનનો સરપ્લસ હતો; 24 નવેમ્બરે તે ₹12,825 કરોડની ખાધમાં ફેરવાયો હતો. GST સંબંધિત સરકારી ચુકવણીઓ, ચલણની મોસમી માંગ અને સરકારી ખર્ચમાં ઘટાડાને નવેમ્બરના મધ્યમાં તરલતા ઘટવાનાં કારણોમાં ગણાવ્યાં છે.

વૈશ્વિક અર્થતંત્ર માટે પુરવઠા સંબંધિત મર્યાદાઓ, ઊંચા ઊર્જાભાવો અને ભૂરાજકીય અનિશ્ચિતતા જોખમરૂપ હોવાનું બુલેટિન કહે છે. સતત મોંઘવારીના દબાણ વચ્ચે મુખ્ય કેન્દ્રીય બેન્કોએ છેલ્લા ત્રણ મહિનામાં નીતિ કડક કરી છે. AI સંબંધિત શેરોમાં પીછેહઠ અને ઊંચા સરકારી બોન્ડ યીલ્ડે નાણાકીય બજારોમાં અસ્થિરતા વધારી છે. આ પડકારો છતાં, વૈશ્વિક વૃદ્ધિ અસમાન રહેતાં ભારતની અર્થવ્યવસ્થા તુલનાત્મક રીતે મજબૂત દેખાઈ હોવાનું RBIનું મૂલ્યાંકન છે.