કર્ણાટકમાં નંદિની દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.8 સુધીનો વધારો થવાનો રસ્તો સાફ થયો છે. રાજ્ય કેબિનેટે મંગળવાર, 6 ઓક્ટોબર 2026ના રોજ ભાવવધારાની દરખાસ્તને મંજૂરી આપી હતી. જોકે, વિધાન પરિષદની ચૂંટણીને કારણે રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી નવા ભાવ તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં.

કર્ણાટક સરકાર હવે ભાવવધારો લાગુ કરવા માટે ચૂંટણી પંચની મંજૂરી લેશે. કેબિનેટે અંતિમ અમલ અને વધારાની ચોક્કસ મર્યાદા અંગે નિર્ણય લેવાની સત્તા મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને સોંપી છે. અહેવાલો અનુસાર, મંજૂરી મળ્યા બાદ ભાવવધારો 1 નવેમ્બરથી લાગુ થવાની શક્યતા છે, પરંતુ આ તારીખ અંગે હજી અંતિમ સત્તાવાર જાહેરાત થઈ નથી.

દૂધ સંઘોની રૂ.8થી રૂ.10 વધારાની માગ

કર્ણાટકના મિલ્ક યુનિયનોએ દૂધના ઉત્પાદન અને વિતરણ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને પ્રતિ લિટર રૂ.8થી રૂ.10નો વધારો માગ્યો હતો. સંઘોએ પશુઆહાર, ચારો, દવાઓ, પરિવહન અને પ્લાસ્ટિક પેકેજિંગના ખર્ચમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું. ખાનગી ડેરીઓ તરફથી દૂધની ખરીદીના ઊંચા દરને કારણે સહકારી દૂધ સંઘો પર પણ દબાણ વધ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

અગાઉ પણ થઈ ચૂક્યો છે ભાવવધારો

નંદિની દૂધના ભાવમાં નવેમ્બર 2022થી અત્યાર સુધીમાં અનેક વખત ફેરફાર થઈ ચૂક્યો છે. અહેવાલ મુજબ નવેમ્બર 2022માં રૂ.3, જુલાઈ 2023માં રૂ.3, જૂન 2024માં રૂ.2 અને માર્ચ 2025માં રૂ.4નો વધારો કરાયો હતો. જૂન 2024માં ગ્રાહકોને પ્રતિ લિટર 50 મિલી વધારાનું દૂધ આપવાનો નિર્ણય લેવાયો હતો, જોકે બાદમાં આ વધારાની માત્રા પાછી ખેંચાઈ હતી.

સંપૂર્ણ રૂ.8નો વધારો લાગુ થાય તો નંદિનીના મૂળ ટોન્ડ મિલ્કના વાદળી પેકેટનો ભાવ રૂ.46થી વધીને રૂ.54 પ્રતિ લિટર થઈ શકે છે. જોકે, અંતિમ ભાવ અને અમલની તારીખ ચૂંટણી પંચની મંજૂરી તથા રાજ્ય સરકારના અંતિમ નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે.