કેન્દ્રીય કાપડ મંત્રાલય આગામી 2થી 3 વર્ષમાં દેશના વિવિધ જિલ્લાઓમાંથી 5,000થી 10,000 નવા ટેક્સટાઇલ નિકાસકારોની ઓળખ કરીને તેમને વિદેશી બજારો સાથે જોડવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ માટે રાજ્યો સાથે જિલ્લા આધારિત નિકાસ રોડમેપના અમલીકરણ અંગે ચર્ચા ચાલી રહી છે.

યોજનાનો હેતુ માત્ર ઉત્પાદન કેન્દ્રો તરીકે ઓળખાતા જિલ્લાઓને નિકાસ હબમાં વિકસાવવાનો છે. તેમાં સ્થાનિક આયોજન, માળખાકીય સુવિધા, બજાર જોડાણ, ક્ષમતા નિર્માણ અને સંસ્થાકીય સહાય પર ભાર મૂકવામાં આવશે.

આ પહેલમાં 100 આકાંક્ષી જિલ્લાઓ અને ચેમ્પિયન જિલ્લાઓમાં નીચલા ક્રમ ધરાવતા 25 જિલ્લાઓને મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતનો જૂનાગઢ આકાંક્ષી જિલ્લાઓમાં સામેલ છે. દેશના આશરે 530 જિલ્લાઓ હાલમાં ટેક્સટાઇલ નિકાસ સાથે જોડાયેલા હોવાનું જણાવાયું છે.

જિલ્લાઓ દ્વારા નિકાસ સુવિધા કેન્દ્રો, વૈશ્વિક બજારની માહિતી, ઉત્પાદન ક્ષમતા વધારવા માટે મશીનરી અપગ્રેડેશન અને સ્થાનિક ઉત્પાદનોના આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ જેવી જરૂરિયાતો દર્શાવવામાં આવી છે. જૂનાગઢ માટેની જિલ્લા નિકાસ યોજના પણ સ્થાનિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડવાનો ઉદ્દેશ દર્શાવે છે.