જિયો પ્લેટફોર્મ્સે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ₹8,389 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષના સમાન ગાળાના ₹7,354 કરોડની સરખામણીએ નફો 14% વધ્યો છે. શેરબજારમાં 28 ઓક્ટોબરે લિસ્ટિંગ થયા બાદ કંપનીએ શુક્રવાર, 30 ઓક્ટોબરે પ્રથમ વખત ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા.
કંપનીની કામગીરીમાંથી થયેલી આવક વાર્ષિક ધોરણે 11% વધીને ₹40,475 કરોડ થઈ. ગયા વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આ આવક ₹36,332 કરોડ હતી. જૂન ત્રિમાસિકની સરખામણીએ પણ સુધારો નોંધાયો: નફો ₹7,765 કરોડથી 8% અને આવક 3% વધી. ગ્રાહકોની સંખ્યામાં વધારો, ડિજિટલ સેવાઓના વ્યવસાયમાં વૃદ્ધિ અને પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવકમાં સુધારાને કંપનીના નફા વધવાના કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ARPU અને ડેટા વપરાશમાં વધારો
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જિયોનો પ્રતિ વપરાશકર્તા સરેરાશ માસિક આવકદર (ARPU) ₹218.8 રહ્યો. ફિક્સ્ડ બ્રોડબેન્ડ ગ્રાહકો માટેની પ્રમોશનલ યોજનાઓની અસરને વધુ સારા ગ્રાહક-મિશ્રણ અને વપરાશમાં વધારાએ સરભર કરી, એમ પરિણામો સાથે આપવામાં આવેલી વિગતોમાં જણાવાયું છે.
દરેક ગ્રાહકે આ ગાળામાં સરેરાશ દર મહિને 44.2 GB ડેટાનો ઉપયોગ કર્યો. કંપનીનો કુલ ડેટા ટ્રાફિક વાર્ષિક ધોરણે 22% વધ્યો. ગ્રાહકો કંપનીની સેવા છોડે તે દર (ચર્ન રેટ) 1.6% રહ્યો. ત્રિમાસિક દરમિયાન જિયોએ 91 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા.
5G ગ્રાહકો 30 કરોડને પાર
સપ્ટેમ્બરના અંતે જિયોના 5G ગ્રાહકોની સંખ્યા 30 કરોડથી વધુ થઈ હતી. છેલ્લા 12 મહિનામાં 6.6 કરોડ નવા 5G ગ્રાહકો ઉમેરાયા. કંપનીના કુલ વાયરલેસ ડેટા ટ્રાફિકમાં 5Gનો હિસ્સો 56% હતો.
MD આકાશ અંબાણીએ જણાવ્યું કે જાહેર કંપની તરીકે જિયો નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. તેમના કહેવા મુજબ, ત્રિમાસિક પરિણામો 5G નેટવર્કની મજબૂતી તેમજ બ્રોડબેન્ડ અને ડિજિટલ સેવાઓના વિસ્તરણને દર્શાવે છે. કંપનીના શેર ₹1,119ની ઇશ્યૂ કિંમતે સામે ₹1,358 પર લિસ્ટ થયા હતા.
