ભારતની ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં સ્માર્ટફોન શિપમેન્ટના જોરે નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન ઈલેક્ટ્રોનિક્સ માલની નિકાસ ૩૯.૪ ટકા વધીને ૨૬.૬૬ અબજ ડૉલર થઈ છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો ૧૯.૦૮ અબજ ડૉલર હતો.

આ સમયગાળા દરમિયાન સ્માર્ટફોનની નિકાસ લગભગ ૧૫.૯૬ અબજ ડૉલર રહી, જે કુલ ઈલેક્ટ્રોનિક્સ નિકાસના આશરે ૬૦ ટકા જેટલી છે. ઈલેક્ટ્રોનિક્સ ભારતની ટોચની ૧૦ નિકાસ શ્રેણીઓમાં સૌથી ઝડપથી વધતી શ્રેણી બની છે.

અન્ય ઘટકોની નિકાસમાં પણ વધારો

પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB) ૧.૪૬ અબજ ડૉલરની નિકાસ સાથે ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની બીજી સૌથી મોટી શ્રેણી રહી. તેમાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૨,૯૧૩ ટકાનો વધારો નોંધાયો છે. ટોચની ૧૦ ઈલેક્ટ્રોનિક્સ શ્રેણીઓની સંયુક્ત નિકાસ ૫૩.૩૯ ટકા વધીને ૨૧.૯૭ અબજ ડૉલર થઈ છે.

સ્માર્ટફોન માટેની Production-Linked Incentive (PLI) યોજના અને ઈલેક્ટ્રોનિક્સ ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપતી નીતિઓને આ વૃદ્ધિના મુખ્ય આધાર તરીકે જોવામાં આવી રહી છે.