ગુજરાત સહિત દેશમાં સોમવાર, 28 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની બેંક હડતાળ શરૂ થશે. યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU)ના આહ્વાન પર જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારી સંગઠનો 28, 29 અને 30 સપ્ટેમ્બરે હડતાળમાં જોડાશે. હડતાળને કારણે બેંક શાખાઓમાં રોકડ જમા-ઉપાડ, ચેક ક્લિયરન્સ અને અન્ય કાઉન્ટર આધારિત સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા છે.
બેંકિંગ સેવાઓ પર લાંબી અસર ન પડે તે માટે જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને રવિવાર, 27 સપ્ટેમ્બરે ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાહકોને હડતાળ પહેલાં જરૂરી વ્યવહારો પૂર્ણ કરી લેવા સલાહ આપવામાં આવી છે.
ડિજિટલ સેવાઓ ચાલુ રહેવાની શક્યતા
હડતાળ દરમિયાન ATM, UPI, મોબાઇલ બેંકિંગ અને ઇન્ટરનેટ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓ ચાલુ રહેવાની શક્યતા છે. જોકે, શાખામાં કર્મચારીઓની સીધી મદદ જરૂરી હોય તેવા કામમાં વિલંબ થઈ શકે છે.
હડતાળનું મુખ્ય કારણ પાંચ દિવસીય બેંકિંગ સપ્તાહ સહિતની માંગણીઓ હોવાનું જણાવાયું છે. માંગણીઓ અંગે ઉકેલ ન આવે તો 26 ઓક્ટોબરથી અનિશ્ચિતકાલીન હડતાળની ચીમકી પણ આપવામાં આવી છે.
