દર શનિવારે બેંક રજા રાખવાની માંગને લઈને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે 28થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ત્રણ દિવસની હડતાલનું એલાન કર્યું છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના જણાવ્યા અનુસાર રાજ્યના આશરે 50 હજાર બેંક કર્મચારી અને અધિકારીઓ હડતાલમાં જોડાશે. તેમાં સૌરાષ્ટ્ર-કચ્છના આશરે 10 હજાર કર્મચારીઓનો સમાવેશ થાય છે.

હડતાલને ધ્યાનમાં રાખીને 27 સપ્ટેમ્બર, રવિવારે બેંકો ચાલુ રાખવામાં આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સૂચના બાદ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં રજાના દિવસે કામકાજ કરવામાં આવ્યું હતું. યુનિયને પણ કર્મચારીઓને રવિવારે ફરજ બજાવવાની સૂચના આપી હતી.

ચાર શનિવારની રજાની માંગ

યુનિયનના પ્રમુખ નરેન્દ્ર દવેના જણાવ્યા અનુસાર, બેંક કર્મચારીઓ લાંબા સમયથી મહિનાના ચારેય શનિવારે રજાની માંગ કરી રહ્યા છે. વર્ષ 2015માં બીજા અને ચોથા શનિવારે રજા અંગે નિર્ણય થયો હતો. ત્યારબાદ 2020માં ચાર શનિવારની રજા અંગે દ્વિપક્ષીય કરારમાં નિર્ણય લેવાનો પ્રસ્તાવ મૂકાયો હતો.

યુનિયનના જણાવ્યા મુજબ, કર્મચારીઓએ અઠવાડિયાના અન્ય દિવસોમાં 40 મિનિટ વધુ કામ કરવાની તૈયારી દર્શાવી હતી. જોકે, નાણાં મંત્રાલય તરફથી ચાર શનિવારની રજા અંગે હજુ સુધી સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી. 22 સપ્ટેમ્બર, 2026ના રોજ સમાધાનકાર સમક્ષ થયેલી વાટાઘાટોમાં પણ હડતાલ મુલતવી રાખવા માટે સમયમર્યાદાવાળા નિર્ણયની માંગ કરવામાં આવી હતી, પરંતુ સ્પષ્ટતા ન મળતાં હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો.

ગ્રાહકોને કઈ મુશ્કેલી પડી શકે?

હડતાલ દરમિયાન બેંક શાખાઓનું કામકાજ, ચેક ક્લિયરન્સ, રોકડ જમા-ઉપાડ અને અન્ય સેવાઓ પર અસર થવાની શક્યતા છે. ગ્રાહકો અને વેપારીઓએ એટીએમમાં રોકડની અછત, ડ્યૂ ડેટવાળા ચેક પરત જવા અને હડતાલ બાદ બેંકોમાં વધતી ભીડ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

યુનિયને ત્રણ દિવસની હડતાલથી સામાન્ય લોકોને થનારી અસુવિધા બદલ ક્ષમા માંગી છે અને પોતાની માંગણીઓને યોગ્ય ગણાવી છે. બીજી તરફ, કેટલાક ગ્રાહક પ્રતિનિધિઓએ હડતાલને કારણે થનારી મુશ્કેલીને ધ્યાનમાં લઈને કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.