ગુજરાત સરકારે રાજ્યના 14,853 ઉદ્યોગસાહસિકોને રૂ. 1,100.19 કરોડની પ્રોત્સાહક સહાય આપી છે. ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિંગલ-ક્લિક વ્યવસ્થા મારફતે રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવી. આ સાથે MSME માટે પ્રોત્સાહક સહાય મેળવવા બેંક લોન લેવાની ફરજિયાત શરત દૂર કરાઈ છે. હવે પોતાની મૂડીથી ઉદ્યોગ શરૂ કરનારા સાહસિકો પણ પાત્રતા મુજબ સહાય મેળવી શકશે.

સહાયમાં સૌથી મોટો હિસ્સો MSME ક્ષેત્રને મળ્યો. આ ક્ષેત્રના 11,052 લાભાર્થીઓને રૂ. 444.03 કરોડ ચૂકવાયા. ટેક્સટાઇલ ક્ષેત્રના 3,591 લાભાર્થીઓને રૂ. 290.42 કરોડ અને મોટા ઉદ્યોગોના 196 લાભાર્થીઓને રૂ. 360.89 કરોડ મળ્યા. અન્ય યોજનાઓ હેઠળ 14 લાભાર્થીઓને રૂ. 4.85 કરોડ ચૂકવાયા.

કાગળ આધારિત પ્રક્રિયા ઘટાડવાનો દાવો

સંઘવીએ જણાવ્યું કે ઇન્સેન્ટિવ મેળવવાની પ્રક્રિયામાંથી આશરે 16 કાગળ આધારિત પ્રક્રિયાઓ ઘટાડવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, આ ફેરફાર બાદ વહીવટી કામગીરી ઝડપી બની છે અને છેલ્લા છ મહિનામાં ફાઇલોનો નિકાલ ત્રણ ગણો ઝડપી થયો છે. ઉદ્યોગકારો માટે પ્રક્રિયા સરળ અને પારદર્શક બનાવવી સરકારની પ્રાથમિકતા હોવાનું તેમણે કહ્યું.

4,665 અરજીઓમાંથી 407 પ્લોટની ફાળવણી

GIDCએ શેખપાટ, ખીરસરા-2 અને સાણંદ-2 ખાતે 3,000 ચોરસ મીટરથી ઓછા વિસ્તારના 407 ઔદ્યોગિક પ્લોટ ઓનલાઇન ડ્રો દ્વારા ફાળવ્યા. આશરે 85 એકરમાં આવેલા આ પ્લોટ માટે 4,665 અરજીઓ મળી હતી. ફાળવણી ભલામણ કે લાગવગ વિના પારદર્શક રીતે કરાઈ હોવાનું સરકારે જણાવ્યું.

નવી ઉદ્યોગ નીતિ હેઠળ મોટા ઉદ્યોગો તરફથી 346થી વધુ અરજીઓ મળી છે. તેમાં અન્ય રાજ્યોમાંથી ગુજરાત પરત આવવા ઇચ્છતી કંપનીઓની 27 અરજીઓનો સમાવેશ થાય છે.

ઔદ્યોગિક વસાહતોમાં રસ્તા ઉપરાંત ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ અને સર્વિસ લાઇનનું સંકલિત આયોજન કરીને મંજૂરી આપવાની વાત પણ સંઘવીએ કરી. રાજ્ય સરકારની ટીમ નવી ટેકનોલોજી અને વૈશ્વિક ભાગીદારીની તકો તપાસવા જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે.